- ભૂજમાં 2 અજાણ્યા શખ્સે એક યુવક પર છરીથી હુમલો કર્યો
- અજાણ્યા શખ્સ યુવક પાસેથી 5.71 લાખ રૂપિયાની રોકડ રકમ લઈ ફરાર
- યુવકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ભૂજઃ ભૂજમાં ખાનગી કંપનીઓમાં કેશ કલેક્શન કરી બેન્કમાં જમા કરાવવાનું કામ કરતા યુવક સાથે લૂંટ થઈ હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, ભૂજની એક કંપનીમાં નોકરી કરતાં 24 વર્ષીય હિરેન જેમલભાઈ પાયણ ભૂજ-માધાપરની અલગ અલગ કંપનીઓ અને પેઢીઓમાંથી કેશ કલેક્શન કરી તેને બેન્કમાં જમા કરાવવાનું કામ કરે છે. તે દરમિયાન લખુરાઈ ચાર રસ્તા પાસે આવેલી એક કંપનીની કચેરીમાંથી કેશ કલેક્ટ કરી બાઈક પર જતો હતો ત્યારે નજીકમાં રોડ પર ઉભેલા બે ટોપી અને માસ્ક પહેરેલા યુવકે તેને ઉભો રહેવા ઈશારો કર્યો હતો, પરંતુ તે ઉભો ન રહેતા અજાણ્યા શખ્સોએ તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ ચાલતી બાઈકે હિરેનનો હાથ પકડી તેને નીચે પટક્યો હતો ત્યારબાદ એક યુવક બાઈક પરથી નીચે ઉતરી તેને સીધી ડાબા ખભા પર છરી મારી દેતા ઈજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો- કામરેજમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હોટલમાં ઘૂસી માલિકને માર મારી લૂંટ ચલાવી
અજાણ્યા શખ્સોએ 5.71 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી
આરોપીઓએ 5,71,213 રૂપિયા ભરેલી બેગ તેની પાસેથી ઝૂંટવી લેવા પ્રયાસ કરતા હિરેને પ્રતિકાર કર્યો હતો ત્યારે એક જણે ફરી છરીથી હુમલો કરવાની ધમકી આપતા બેગ આપી દેવા જણાવતા હિરેને તેને બેગ આપી દીધી હતી. 5,71,213 રૂપિયા ભરેલી બેગ અને મોબાઈલ ફોન લઈ બંને જણ બાઈક પર નાગોર ચાર રસ્તા તરફ ભાગી ગયાં હતા.
આ પણ વાંચો- લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ
નાણાંની લૂંટ ચલાવી આરોપી નાગોર રસ્તા તરફ ફરાર
આ ઘટના બાદ હિરેને તરત તેની કંપનીના સુપરવાઈઝરને ફોનથી જાણ કરી હતી અને ત્યારબાદ તેઓ બાઈક પર આરોપીઓને શોધવા નાગોર ચાર રસ્તા સુધી ગયા હતા, પરંતુ બંને લૂંટારૂ નાસી છૂટ્યા હતા. આથી તેણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનેલી ઘટના અંગે પોલીસે નોંધ લેતા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
કચ્છ જિલ્લામાં છેલ્લા 30 દિવસમાં છરીની અણીએ લૂંટના 5 બનાવ
છેલ્લા 1 મહિનામાં કચ્છ જિલ્લામાં છરીની અણીએ લૂંટ ચલાવવાના 5 જેટલા કેસો બન્યા છે, જેમાં ભૂજ તાલુકામાં 3 જેટલા લૂંટના કેસો બન્યા છે જ્યારે અંજાર તાલુકામાં 2 કેસો બન્યા હતા.