આ લૂંટ કેસ વિશે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે," બે આરોપી રાધનપુર આંગડીયું કરવું છે તેમ કહી પ્રવેશ્યાં હતાં. આંગડીયા પેઢીના સંચાલક બાબુલાલ મહાદેવભાઈ પ્રજાપતિ પોતે પણ રાધનપુર બાજુના વતની છે. તેઓ બન્નેની ભાષા પણ પારખી ગયા હતાં. પ્રાથમિક વાતચીતમાં બાબુલાલને તેમણે એ પણ જણાવી દીધું કે અમે રાધનપુરના જ છીએ, ત્યારબાદ તેમણે બાબુલાલને છરી મારવા પ્રયાસ કર્યો હતો. બાબુલાલે હાથ આડો કરી દેતાં છરી આંગળીમાં વાગી હતી અને ત્યાર બાદ બીજાએ બાબુલાલના માથાના ભાગે મારતા બેભાન થઈ ગયાં હતાં, ત્યારબાદ તેઓ ઑફિસની તીજોરી અને પ્લાસ્ટિકની ટોપલીમાં રહેલી 10 લાખ 72 હજાર 615 રૂપિયાની રોકડ રકમ, 10 હજારનો મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ ભરેલાં કાળા રંગનો થેલો લૂંટી નાસી છૂટ્યાં હતાં.
આ ઘટના બાદ તપાસમાં લાગેલ પોલીસ ટીમોએ ભોગ બનનાર બાબુલાલ પાસેથી પ્રાથમિક માહિતી મેળવવા પ્રયાસ કર્યો, ત્યારે બાબુલાલે આરોપીઓ રાધનપુર બાજુના હોવાનું જણાવ્યું હતું. આરોપીઓના ચહેરા CCTVમાં સ્પષ્ટ દેખાતા હતાં. પોલીસે રાધનપુરની દિશામાં તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન SOGના ASI રમજુભાઈને CCTVમાં દેખાતો યુવક રાધનપુરનો હિસ્ટ્રીશીટર પંકજ ડોંગરે હોવાની બાતમી મળી હતી.
કચ્છ પોલીસે ગાંધીધામથી રાધનપુર જતા રસ્તે આરોપીઓનું પગેરું દબાવવાનું શરૂ કરતાં ભચાઉ-રાપર રોડ પરથી બિનવારસી થેલો મળી આવ્યો હતો. જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, ગેંગ રાધનપુર તરફ જ નાસી ગઇ છે. બીજી તરફ આરોપીઓ રાધનપુર પહોંચ્યા કે રસ્તામાં વૉચમાં રહેલી પોલીસે તેમને દબોચી લીધા હતાં. રાધનપુર પોલીસે પંકજ ડોંગરે, મહેશ રબારી અને કૌશિક પટેલ (ચૌધરી)ને ઝડપી લીધા હતાં. તેમની પૂછપરછમાં ગાંધીધામના મુકેશ દેસાઈનું નામ ખુલતાં પોલીસે અહીંથી તેને પણ દબોચી લીધો હતો, ત્યારબાદ આરોપીઓની તપાસ હાથ ધરતા તેની પાસેથી રાધનપુર પોલીસે 82 હજારની રોકડ રકમ કબ્જે કરી હતી.
લૂંટના આગલા દિવસે રાધનપુરનો મહેશ રબારી બે સાગરિતો સાથે ગાંધીધામ આવ્યો હતો અને તેણે આ અંગે ફોન કરી મુકેશને જાણ કરી હતી. મહેશના સાગરિતો આંગડીયા પેઢીમાં જઈ લૂંટ કરશે અને તેમને સ્થળ પર મુકેશ રબારી મોટર સાયકલ પર બેસાડી લઈ જશે તેવું આયોજન કર્યું હતું. લૂટ કર્યા બાદ ત્રણેય લોકો મોટર સાયકલ પર બેસી ગાંધીધામ ચુંગી નાકા પહોંચી જશે. આ પ્લાન મુજબ મુકેશ રબારી લૂટ પૂર્વે ઘટનાસ્થળની રેકી કરી બંનેને મોટર સાયકલ પર બેસાડી લઈ આવ્યો હતો. લૂંટ બાદ તેમને ચુંગી નાકા પાસે મુકી આવ્યો હતો, ત્યારબાદ પોતાનો ફોન બંધ કરીને નોકરી પર જતો રહ્યો હતો. આમ, આ ઘટનામાં સામેલ તમામ યુવકોની કડક તપાસ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.