કચ્છ: ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસને નાથવાના પ્રયાસોમાં યોગદાન રૂપે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં કચ્છના અગ્રણી ઉદ્યોગ ગૃહ આશાપુરા ગ્રુપે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
આશાપુરા ગ્રુપના અધ્યક્ષ ચેતનભાઈ શાહે રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ને ચેક સાથે આ પત્ર અર્પણ કરાયો હતો.
આશાપુરા જૂથ વતીથી પ્રકાશ ગોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાની અસરને ઘટાડવા માટેના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. છેલ્લા 60 વર્ષ કરતાં વધુ સમયથી રાજ્યમાં ઔદ્યોગિક તેમજ સમાજસેવાના ક્ષેત્રોમાં સક્રિય આ પ્રતિષ્ઠિત ઉદ્યોગ જૂથના મોવડી ચેતનભાઈ શાહે આ યોગદાન આપતાં ગૌરવની લાગણી વ્યક્ત કરી હોવાનું ઉર્મેયું હતું.
કંપની વતી જનરલ મેનેજર પ્રકાશ ગોર તથા મનીષ પલણે જિલ્લા કલેક્ટરને એક કરોડનો ચેક સુપરત કર્યો હતો. કોરોના વાઇરસની અસર રૂપે જ આશાપુરા ઈન્ડસ્ટ્રીઝ અત્યારે તેના કારોબારના નિયમિત સંચાલનમાં ભારે તાણ, તકલીફનો સામનો કરી રહી હોવા છતાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રત્યે સભાન રહીને આરોગ્ય સંકટના કપરા સમયમાં મદદની મળેલી તક ઝડપી લીધી છે તેવી લાગણી ચેતનભાઈએ વ્યક્ત કરી હતી . આ સમયે ભૂસ્તરશાત્રી કેતન મહાવડિયા હાજર રહ્યા હતા.