ખેડાઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ (દિશા)ની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડિયાદ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રા.), મહાત્મા ગાંધી નરેગા યોજના, મિશન મંગલમ, જિલ્લા આરોગ્ય શાખા, શિક્ષણ શાખા, આઇ.સી.ડી.એસ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, વ્હાલી દિકરી યોજના, માઇન્સ(ખાણ અને ખનીજ), જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આઇ.ડબલ્યુ.એમ.પી (વોટરશેડ), આઇ.ટી.આઇ, ખેતીવાડી, એમ.જી.વી.સી.એલ, જિલ્લા સમાજ સુરક્ષા, ડી.આઇ.એલ.આર, માર્ગ અને મકાન (સ્ટેટ વિભાગ), સમાજ સુરક્ષા, પુરવઠા વિભાગ, જિલ્લા રોજગાર કચેરી, ઇ-ગ્રામ(પંચાયત), બાગાયત વિભાગ, ઇ-ગ્રામ (જિલ્લા પંચાયત), માર્ગ અને મકાન(પંચાયત) વિભાગ, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બી.એસ.એન.એલ, મહી-સિંચાઇ જેવા અતિ મહત્વના અને નાગરિકોને રોજબરોજની જરૂરીયાતના વિભાગોની સમીક્ષા કરી હતી.
સાંસદ દેવુસિંહ ચૌહાણે દરેક વિભાગના અધિકારીઓ પાસેથી વર્ષ દરમિયાન સરકાર દ્વારા ફાળવવામાં આવેલા લક્ષ્યાંક, લક્ષ્યાંક સામે થયેલી કામગીરી અને બાકી રહેલી કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી બાકી કામો વહેલી તકે હકારાત્મક રીતે ઉકેલવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણે તમામ ઉપસ્થિત અધિકારીઓને તેઓના હસ્તકના વિભાગને ફાળવેલા લક્ષ્યાંકની કામગીરી ગુણવત્તાસભર રીતે નિયત સમય મર્યાદામાં પૂરી કરવા તથા ધારાસભ્યો તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાના પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ તાલુકા કક્ષાએથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઝાલા, ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણ, કાળુસિંહ ડાભી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ભૂપેન્દ્રભાઇ ઠક્કર તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.