ડાંગઃ જિલ્લાનાં મુખ્યમથક આહવા ST ડેપો ખાતે જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરનાં માર્ગદર્શન હેઠળ લોકડાઉનનાં કારણે ફસાયેલા શ્રમિકોને ગુજરાત ST નિગમનાં સહયોગથી આહવા ડેપો ખાતેથી ઉત્તરપ્રદેશ જવા માટે રવાના કરાયા હતા.
આ પ્રસંગે આહવા મામલતદાર ધવલ સાંગાડાએ જણાવ્યું હતુ કે આહવા, વઘઇ ખાતે નાના ધંધા રોજગાર કરી ગુજરાન ચલાવતા શ્રમિકો કોરોના વાઈરસનાં કારણે જાહેર થયેલા લોકડાઉનનનાં સંદર્ભે ડાંગ જિલ્લામાં ફસાયેલા હતા. લોકડાઉનમાં આ લોકોની રોજગારી બંધ થતાં તેઓ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા. ત્યારે જુદા-જુદા રાજ્યોમાંથી ડાંગમાં રોજગારી માટે સ્થાયી થયેલા શ્રમિકો પોતાના વતન જવા માટે ઉત્સુક હતા. આવા કપરા સમયે રાત દિવસ જોયા વિના જિલ્લા વહીવટી તંત્ર આ શ્રમિકોનાં વ્હારે આવ્યા હતા.
ડાંગ જિલ્લામાં ફસાયેલા તમામ શ્રમિકોનો સર્વે કરી તેમની યાદી બનાવવામાં આવી હતી. આ યાદી આરોગ્ય વિભાગને આપતા તેઓએ તમામ શ્રમિકોની આરોગ્ય તપાસણી કરી હતી. આરોગ્ય તપાસણી બાદ આહવા ડેપોથી બસ મારફતે તેઓને ભરૂચ મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને રાતનાં 8 વાગ્યાની ટ્રેનમાં પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા માટે રવાના કરાશે.
લોકડાઉનમાં ફસાયેલા યુ.પીનાં શ્રમિકોને સરકારનાં દિશાનિર્દેશન અનુસાર યુ.પી જવા માટે રવાના કરાયા હતા. શ્રમિકોને ભરૂચથી ટ્રેન મારફત મોકલવાનાં હોય ચિટનીશ ટુ કલેક્ટરનાં કર્મી ડી.કે. ગામીત આ શ્રમિકો સાથે રહી કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખી હતી. આહવા ખાતેથી રવાના કરાયેલા શ્રમિકોને રેવન્યુ તલાટી જયંતિભાઈ રાજગોર, સહાયક માહિતી નિયામક કે.એન.પરમાર તેમજ જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીઓએ વિદાય આપી હતી.