- કેનાલમાં હાથપગ ધોવા ઉતર્યા હતા યુવાન
- 2ને સ્થાનિકો દ્વારા બચાવાયા, એકનું મોત
- બહેનના ઘરેથી પરત ફરતા રસ્તામાં આવતી કેનાલમાં ઉતર્યા હતા.
ખેડા: મહુધા તાલુકાના નિઝામપુરા પાસેથી પસાર થતી કેનાલમાં ત્રણ યુવકો હાથ-પગ ધોવા ઉતર્યા હતા. જેમાં એક યુવકનો પગ લપસતા કેનાલના પાણીમાં તણાવા લાગ્યો હતો. જેને બચાવવા એક બાદ એક એમ ત્રણેય યુવાનો કેનાલના વહેણમાં તણાવા લાગ્યા હતા. તણાઈ રહેલા યુવકો દ્વારા બૂમાબૂમ થતા સ્થાનિકો દ્વારા યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજુ અને વિનોદ નામના બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે વિષ્ણુ નામનો યુવાન પાણીમાં તણાઈ ગયો હતો.
ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરી
નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારે જહેમત બાદ મોડી સાંજે કેનાલમાંથી વિષ્ણુ નામના યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગે મહુધા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બહેનના ઘરેથી પરત ફરતા રસ્તામાં આવતી કેનાલમાં ઉતર્યા હતા.