- ડાકોર નગરપાલિકાના નાણાકીય વ્યવહારોની સત્તા ઠાસરા પ્રાંત અધિકારીને સોંપાઈ
- અગાઉ હાઈકોર્ટ દ્વારા વહીવટદારની નિમણૂકનો હુકમ કર્યો હતો
- જે બાદ નાણાકીય વ્યવહાર સિવાય પ્રમુખપદ યથાવત રાખવા આદેશ કર્યો હતો
ખેડાઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નાણાકીય વ્યવહારો સિવાયની તમામ કામગીરી કરવાની ડાકોર નગરપાલિકાના પ્રમુખની સત્તા યથાવત રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે આદેશને પગલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને ડાકોર નગરપાલિકાની નાણાકીય વ્યવહારો માટેની સત્તા સોંપવામાં આવી છે.
નગરપાલિકાની રોજબરોજની કામગીરીને અસર ન થાય તે માટે કરાયો આદેશ
ડાકોર નગરપાલિકાની રોજબરોજની કામગીરી પર અસર ન થાય તે માટે ડાકોર નગરપાલિકાના નાણાકીય વ્યવહારો માટેની પ્રમુખને પ્રાપ્ત થયેલી સત્તાઓ ઠાસરા પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. જે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી માન્ય રહેશે.
પ્રમુખ તરીકે મયુરી પટેલ અને ઉપપ્રમુખ તરીકે કલ્પેશ ભટ્ટ ચૂંટાયા હતા
ઉલ્લેખનીય છે કે, ડાકોર નગરપાલિકામાં પ્રમુખ તરીકે અપક્ષ મયુરી પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પેશ ભટ્ટ ચૂંટાયા હતા. જે બાદ ચુંટણી પ્રક્રિયા રદ કરવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા નગરપાલિકામાં વહીવટદાર નિમવાના હુકમ બાદ નાણાકીય વ્યવહારો સિવાયની પ્રમુખની સત્તા યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.