ખેડા: જિલ્લામાં હાલ કોરોના વાઇરસના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં ખેડા જિલ્લામાં આવેલા નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તે અંગે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલની સૂચનાને લઇને જિલ્લામાં આવેલા આવા એકમોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી રહી છે.
નડિયાદ શહેરની જીઆઇડીસીમાં આવેલા આવા મોટા ઔદ્યોગિક એકમોની આજે આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેર મામલતદાર પ્રકાશ ક્રિસ્ટી, લેબર ઓફિસરની કચેરીના પ્રતિનિધિઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિઓ તેમજ ફેકટરી ઇસ્પેકટરની કચેરીના અધિકારીઓ અને પ્રતિનિધિઓ તથા નગરપાલિકાના દેવેન્દ્રભાઇ પણ આ ચકાસણીમાં જોડાયા હતા.
મહત્વનું છે કે ખેડા જીલ્લામાં કોવિડ 19 ના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા વિવિધ અસરકારક કામગીરી કરવા સાથે નિયમોનું ચુસ્ત પાલન કરાવવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.