ડાકોર: યાત્રાધામ ડાકોરમાં કોરોના મહામારીને કારણે તંત્ર દ્વારા બજારોમાં જાળીઓ તેમજ લોખંડની એંગલો મારી આડબંધ બાંધવામાં આવ્યા છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા, યાત્રાળુઓને દર્શન કરવામાં તકલીફ પડવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ઉપરાંત આડબંધના કારણે દર્શનાર્થીઓ પ્રસાદની દુકાનો સુધી પણ નહીં પહોંચી શકતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઇ યાત્રાધામના વેપારીઓ અને નગરપાલિકા પ્રમુખ સહિતના લોકોએ નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ આડબંધો દૂર કરવા રજૂઆત કરી હતી.
જીલ્લા કલેકટર દ્વારા બે દિવસમાં ડાકોરની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બાદ યોગ્ય નિર્ણય કરવાની હૈયાધારણ આપવામાં આવી હતી. મહત્વનું છે કે યાત્રાધામ ડાકોરમાં લોકડાઉનને પગલે ઘણા સમયથી બજારો બંધ હતા. ત્યારબાદ હાલ મંદિર તેમજ બજારો ખોલવામાં આવ્યા છે. ત્યારે આડબંધોને લઈ દર્શનાર્થીઓ સહિત લોકોને મુશ્કેલી પડી રહી છે. જોકે યાત્રાધામ ડાકોરમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે.