- સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ નડિયાદ
- જે મકાનમાં જન્મ થયો હતો તે આજે પણ હયાત
- સરદારે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળા પણ હાલ કાર્યરત
નડિયાદ: અખંડ ભારતના શિલ્પી અને ચરોતરના પનોતા પુત્ર એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું જન્મ સ્થળ નડિયાદ ખાતે આવેલું છે. નડિયાદના દેસાઈ વગામાં આવેલા તેમના મોસાળમાં તેમનો જન્મ થયો હતો. જે મકાન આજે પણ હયાત છે અને જળવાયેલું છે. તેમજ જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળા પણ હાલ કાર્યરત છે.જાણીએ નડિયાદ ખાતે આવેલા તેમના જન્મ સ્થળ અને શાળા વિશે.
નડિયાદના દેસાઈવગામાં આવેલું છે સરદાર સાહેબનું જન્મ સ્થળ
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે થયો હતો. શહેરના દેસાઈવગા વિસ્તારમાં તેમના મોસાળમાં 31 ઓક્ટોબર 1875ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના મોસાળના જે મકાનમાં તેમનો જન્મ થયો હતો તે મકાન આજે પણ હયાત છે. પાસે રહેતા પાડોશી દ્વારા મકાનની દેખરેખ રાખવામાં આવે છે.
સરદાર સાહેબના જન્મ સ્થળે તેઓ બાળપણમાં જે પારણામાં ઝૂલતા હતા તે પારણું તેમજ તેમની અને તેમના પરિજનોની કેટલીક તસવીરો રાખવામાં આવી છે. જો કે આ સિવાય ભારતના લોહ પુરુષ સરદાર સાહેબના જન્મ સ્થળને સાચવવા-જાળવવા કોઈ વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા નથી.
સરદાર વલ્લભભાઈ પટેલે જે શાળામાં ભણીને નેતાગીરીના ગુણો કેળવ્યા અને જીવનના પ્રારંભિક પાઠ ભણ્યા હતા તે શાળાની હાલ જો કે કોઈ ખાસ દરકાર રાખવામાં આવી નથી. તેને વિકસાવવા પણ કોઈ પ્રયત્ન થયો નથી.
સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડિરેકટર વિષ્ણુભાઈ પટેલ ઇટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવે છે કે, હેરીટેજ સ્કૂલ તરીકે વિકસાવી શકાય તેવી એક સમયે સરકારી શાળા તરીકે નામાંકિત આ શાળાને કોઈ કારણ વિના ગ્રાન્ટેબલમાંથી નોન ગ્રાન્ટેબલ બનાવવામાં આવી છે. સરદાર સાહેબની જન્મજ્યંતી ઉજવાઈ રહી છે, ત્યારે તેમની શાળાને વિકસાવાય તેમજ ગ્રાન્ટેબલ બનાવાય તેવી માગ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, અખંડ ભારતના નિર્માણમાં જેમની પાયાની ભૂમિકા રહેલી છે. એવા સરદાર સાહેબના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આવનારી પેઢીઓ માટે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ અને શાળાનો પણ વિકાસ કરવામાં આવે તે જ તેમને સાચી ભાવાજંલિ લેખાશે.