- સમાધિ મહોત્સવની ભક્તિપૂર્ણ ઉજવણી
- મંદિરમાં સાકરવર્ષા યોજાઈ
- મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું
- મંદિરમાં ભજન સ્પર્ધા યોજાઈ
ખેડા: જિલ્લાના નડિયાદમાં સંતરામ મહારાજે માઘ પૂનમે સમાધિ લીધી હતી. એક માન્યતા મુજબ, સંતરામ મહારાજે માઘ પૂર્ણિમાએ જીવીત સમાધી લીધી હતી. જે સમયે મંદિરમાં દીવારુપે એક જ્યોત પ્રગટ થઈ હતી. ત્યારે આકાશમાંથી દેવોએ સાકર વર્ષા કરી હતી. જ્યોત આજે પણ અખંડ સ્વરુપે છે.
હજારો કિલો કોપરા અને સાકરની ઉછામણી
મંદિરના મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં સેવકોએ સાકર વર્ષા કરી હતી. હજારો કિલો સાકર અને કોપરાનાં પ્રસાદની ઉછામણી કરવામાં આવી હતી. જેથી મહાઆરતી અને સાકર વર્ષાનો લાભ લેવા ભક્તોનું માનવ મહેરામણ મંદિરે ઉમટ્યું હતું અને મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું
અખંડ જ્યોતના સાંનિધ્યમાં મંદિરમાં માઘની પૂનમ નિમિત્તે વહેલી સવારે પૂ. મહારાજશ્રીને તિલક કરવામાં આવ્યા હતા. દિવસભર દર્શનાર્થીઓનો ઘસારો રહ્યા બાદ સાંજના સમયે સાકરવર્ષાને લઈ મંદિર પરિસરમાં લોકોનો જમાવડો વધવા લાગ્યો હતો. સાંજે પ વાગ્યા બાદ તો મંદિરના ટેરેસ તથા નીચેના ચોકથી લઈ બહારના ભાગમાં લોકોની ભીડ જામી હતી.
પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
મંદિરમાં માઘની પૂનમ અને 190માં સમાધિ મહોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નડિયાદ અને આસપાસની ભજન મંડળીઓએ ભાગ લઈ સંગીતની સુરાવલિ વચ્ચે ભજનોની રમઝટ મચાવી હતી. આ ભજન સ્પર્ધાને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.