નડિયાદઃ ખેડા જિલ્લામાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તમામ એપીએલ-1 કાર્ડ ધારકોને અનાજ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેડા જિલ્લાના કુલ 5.80 લાખ એપીએલ-1 કાર્ડ ધારક નાગરિકોને સહાય આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર આઈ.કે પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં એપીએલ કાર્ડ ધારકોની સંખ્યા 5.80 લાખ જેટલી છે. તે તમામ કાર્ડધારકોને અનાજ આપવાની કામગીરી સુચારુ રૂપે શરૂ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જોવા જઈએ તો જિલ્લાના 90 ટકાથી વધુ નાગરિકોને અનાજનો લાભ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે. એપીએલ કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા,1 કીલો ચણા દાળ/ચણા તથા 1 કીલો ખાંડ પૂરી પાડવામાં આવી રહી છે.
મહત્વનું છે કે લોકડાઉનના કારણે મધ્યમ વર્ગમાં આવતા એપીએલ કાર્ડધારકોને જીવન નિર્વાહ માટે તકલીફ પડી રહી છે. આ બાબત નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈના ધ્યાને આવતા તેમને રાજય સરકારને આ મુદ્દે રજૂઆત કરી હતી. મધ્યમ વર્ગીય એપીએલ રેશનકાર્ડ ધારકોને આ સમયમાં બહાર નીકળવું ન પડે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે તેઓની રજૂઆતને રાજ્ય સરકારે ધ્યાને લઇ સમગ્ર રાજ્યના એપીએલ કાર્ડધારકોને ચાલુ માસે લાભ આપવાની જાહેરાતકરી હતી.