ખેડાઃ યાત્રાધામ ડાકોર ખાતે વર્ષોથી ગુરુપુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજવાની પરંપરા છે. જેને લઈ બુધવારના રોજ ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની 248મી રથયાત્રા યોજવામાં આવી હતી. જોકે કોવિડની ગાઇડલાઇન મુજબ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઇ હતી. જેમાં પૂજારી અને સેવકોને મર્યાદિત સંખ્યામાં ભાગ લેવા દેવામાં આવ્યો હતો. જેમના દ્વારા રણછોડ મહારાજાના નાદ સાથે રાજધીરાજનો રથ ખેંચવામાં આવ્યો હતો.
કોવિડ-19ની ગાઈડલાઈનના ચુસ્ત પાલનના ભાગરૂપે ભાવિકોને મંદિરમાં પ્રવેશ કે રથયાત્રામાં ભાગ લેવા દેવામાં આવ્યો નહોતો. રથયાત્રાની તમામ વિધિ બંધ બારણે યોજવામાં આવી હતી. સવારે 6:15 કલાકે પ્રભુની મંગળા આરતી થયા બાદ નિત્ય સેવા ક્રમ પૂર્ણ થયા બાદ બાળભોગ, શ્રુંગારભોગ, ગોવાળ ભોગ થઈ મહાભોગ આરતી થઈ પ્રભુને તિલકવિધી થયા બાદ મંદિર પરિસર ઘુમ્મટમાં ચાંદીના રથનું પૂજન થયું હતું. 8:45 કલાકની આસપાસ ગોપાલલાલજી મહારાજનું રથમાં અધિવાસન કરાયું હતું. જે બાદ પ્રભુ રણછોડરાયજી મહારાજની આજ્ઞા માળા ગોપાલલાલજી મહારાજને ધારણ કરાવી રથયાત્રાની શુભ શરૂઆત થઇ હતી.
![સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે નક્ષત પ્રમાણે રથયાત્રા યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-rathyatra-avbb-7203754_24062020142043_2406f_01283_62.jpg)
રણછોડરાયજી મંદિર પરિસરમાં ભગવાનને કાષ્ટ,પિત્તળ અને ચાંદીના રથમાં બિરાજમાન કરી રથયાત્રા યોજાઈ હતી.રથને ઘુમ્મટ ની અંદર 5 અને પરિસરમાં 11 પરિક્રમા ફેરવવામાં આવી હતી.
![સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે નક્ષત પ્રમાણે રથયાત્રા યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-rathyatra-avbb-7203754_24062020142047_2406f_01283_823.jpg)