સામાન્ય વરસાદમાં પણ મંદિર આસપાસ અવારનવાર પાણી ભરાવાની સમસ્યા છતાં નગરપાલિકા તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેમ કોઈ જ કાર્યવાહી થતી નથી. આજરોજ દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજે જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. અવિરત સામાન્ય ઝરમર વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો. સાંજે વરસાદને પગલે ઉકળાટથી કંટાળેલા લોકોએ આંશિક રાહત અનુભવી હતી.
જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જેને લઈ શહેરના નીચાણવાળા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વાર પર પણ પાણી ભરાયા હતા. જેને કારણે ઢીચણ સુધીનાં પાણીમાંથી પસાર થઇ ભક્તોએ દર્શન કર્યા હતા. મહત્વનું છે કે સામાન્ય વરસાદમાં પણ ડાકોર મંદિરના મુખ્ય દ્વાર સહીત આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવા છતાં નગરપાલિકા તંત્ર નિંદ્રામાં હોય તેમ પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી.જેને પગલે સ્થાનિકો સહીત યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.