ખેડાઃ જિલ્લાના પ્રસિદ્ધ તિર્થધામ ફાગવેલથી નજીક જ લસુન્દ્રા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક રોગો દૂર થાય છે. જેને લઇ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી સ્નાન કરે છે. જે પાણીથી સ્નાન કરવાથી દર્દીને રોગમાં રાહત મળે છે. અહીં 8 ગરમ પાણીના અને 10 ઠંડા પાણીના મળી કુલ 18 કુંડ આવેલા છે.
આ સ્થળ સાથે સંકળાયેલી ધાર્મિક માન્યતા મુજબ સતયુગમાં જ્યારે ભગવાન રામ વનવાસમાં હતા. ત્યારે હિડિમ્બા વન તરીકે આ સ્થળ ઓળખાતું હતું. જ્યાં સરભંગ ઋષિનો આશ્રમ આવેલો હતો. વનવાસ દરમિયાન અહીં સરભંગ ઋષિના આશ્રમમાં ભગવાન રામ પધાર્યા હતા. જેમને અહીં 101 કુંડ બનાવી સરભંગ ઋષિનો ચામડીનો કૂપિત રોગ દૂર કર્યો હતો. જેમાંથી હાલ માત્ર 18 કુંડ જોવા મળે છે. જ્યાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી લોકો આવતા હોવા છતાં કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો નથી.
સ્નાન માટે વ્યવસ્થા તો કરવામાં આવી છે, પણ તે કહેવા પૂરતી જ છે. જે સુવિધાજનક તેમજ સ્વચ્છ ન હોવાથી ચામડીના રોગોથી રાહત મેળવવા સ્નાન કરવા આવેલા લોકોને બહાર ખુલ્લામાં સ્નાન કરવું પડે છે. ખાસ કરીને ચામડીના રોગથી પીડિત મહિલાઓને સ્નાન માટે અહીં ભારે અગવડ અને સંકોચનો સામનો કરવો પડે છે. આ સ્થળના પ્રાચીન અને ધાર્મિક મહત્વ સાથે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વિકસી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.
મહત્વનું છે કે, યાત્રાધામ ડાકોર અને ફાગવેલ નજીક હોવાથી આ સ્થળે મોટી સંખ્યામાં ચામડીના રોગોથી પીડિત લોકો સહિત યાત્રીઓ આવે છે. જો કે, હાલ કોરોનાને લઈ સંખ્યા મર્યાદિત બની છે. આ સ્થળ ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતું હોવા છતાં વિકસાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે સ્થળને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી રહી છે.