અમદાવાદથી ડાકોર હાઈવે પર હાલ મહુધાથી ડાકોર વચ્ચેના રોડને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મહોર નદીના કિનારે આવેલા મિરઝાપુર ગામના સ્મશાન, કબ્રસ્તાન અને ગૌચર જમીન તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવેલ છે. જેથી ગ્રામજનો દ્વારા રસ્તાની માગને લઈને રોડ પર જ ધરણાં શરૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રસ્તો બંધ કરવાથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા ગ્રામજનોની સમસ્યા પર ધ્યાન નહી આપતાં છેલ્લા ત્રણ દિવસથી ગ્રામજનો ધરણાં પર બેઠા છે. જો કે, તંત્ર દ્વારા ગ્રામજનોને માત્ર હૈયાધારણ આપવામાં આવે છે. જો રસ્તો બનાવવામાં નહીં આવે તો, ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.