ખેડાઃ વડતાલધામમાં ચૈત્ર વદ-7ના રોજ ભગવાન શ્રી રણછોડરાયનો વાર્ષિક પાટોત્સવ યોજાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે યોજી શકાયો નહોતો. જેથી અધિક માસમાં અન્ય સમૈયાની જેમ આ પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યાં હતાં.
પાટોત્સવ નિમિત્તે દેવ શણગારમાં સુવર્ણનો હાર તથા એલચી, બદામ, કાજુના દેવોને નવ હાર ઉપરાંત શણગારમાં સાડીઓ, વાઘા ધરાવાયા હતા. આ પાટોત્સવ નિમિત્તે બપોરે અન્નકૂટ પણ ભરાયો હતો.
ભગવાન રણછોડરાયના આજે એટલે કે શુક્રવારે પાટોત્સવ પ્રસંગે દેવના દેરાના સુવર્ણ શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કેત, ભક્તરાજ બોડાણાની પ્રેમભક્તિને વશ થઇને ભગવાન શ્રી દ્વારકાધિશ દ્વારકાથી ડાકોર આવીને વસ્યા હતા. તેમજ સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીની ટેક અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી રણછોડરાય ગોમતીજી સાથે વડતાલ પધાર્યાં હતા અને સાક્ષાત સ્વરુપે મંદિરમાં પ્રતિષ્ઠિત થયા હતા.
વડતાલ મંદિરમાં શ્રી રણછોડરાયની મૂર્તિ પ્રતિષ્ઠા આચાર્ય રઘુવીરજી મહારાજના હસ્તે વિ.સંવત 1886ના ચૈત્ર વદ-7ના રોજ થઇ હતી. આ મૂર્તિ રાજસ્થાનના ડુંગરપુરથી લાવવામાં આવી હતી.