નડિયાદઃ નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન આણંદ જિલ્લાના ઉમરેઠના વ્યક્તિનું મોત થયું છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ વહોરવાડ ખાતે રહેતા અને ઉમરેઠ શહેરમાં ફ્રૂટ વેચતા મૃતક દર્દીને કોરોનાના લક્ષણ જણાતા કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત 16 તારીખના રોજ કોરોના પોઝિટિવ આવતા 45 વર્ષીય દર્દીને સારવાર માટે ખેડા જિલ્લાના નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં સારવાર દરમિયાન આજે એટલે કે શનિવારે તેમનું મોત થયું હોવાની ખેડા આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ મૃતક દર્દીને કોરોના સિવાય બીજી પણ બીમારી હોવાનુંં સામે આવ્યું છે.
મહત્વનું છે કે, આણંદ જિલ્લામાં ગત રોજ એટલે કે શુક્રવારે 3 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા છે, ત્યારે આજે જિલ્લાના એક દર્દીનુ મોત નિપજ્યું છે. ખેડા જિલ્લાના 2 પોઝિટિવ દર્દીઓ હાલ એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.