નડિયાદઃ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધુ એકનો ઉમેરો થયો છે. જેને લઇને શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 5 પર પહોંચી છે. કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા યુવકનો રિપોર્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હોવાનું માલુમ પડયુ છે.
શહેરની શારદાનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને વિકાસ ડેરીના સંચાલકના પુત્ર એવા 20 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે. વિકાસ ડેરીમાં કામ કરતા કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કને પગલે યુવક ચેપગ્રસ્ત થયો હતો. જો કે તે પહેલેથી જ કોરોન્ટાઈન હેઠળ હતો.
પરંતુ આજે તેનો રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો છે. વધુ એક કેસ સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી સઘન બનાવવામાં આવી છે અને વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં આજના વધુ એક કેસ સાથે કોરોના પોઝીટીવ દર્દીની કુલ સંખ્યા 5 પર પહોંચી છે જે તમામ નડિયાદ શહેરના છે.