નડિયાદઃ કોરોનાવાઈરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લા માટે રાહતના સમાચાર છે કે જિલ્લામાં હજી સુધી કોરોનાનો એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી. જેને લઇ જિલ્લા તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લાના ગામોમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વહીવટી,પોલીસ અને આરોગ્ય તંત્ર કોરોનાના સંક્રમણને અટકાવી શકાય તે માટે દિવસ રાત પ્રયાસ કરી રહ્યું છે. ખેડા જીલ્લામાં હજી સુધી એક પણ કોરોનાને કેસ નોંધાયો નથી. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાઈરસનું સંક્રમણ ન વધે તે માટે જીલ્લાની સરહદો સુરક્ષિત બનાવવામાં આવી છે. તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.
આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતર્કતા વધારવામાં આવી છે. જિલ્લાના ગામોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે અને બીમારી જણાય તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી શકે છે. સતર્કતાના ભાગરૂપે જિલ્લાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ પંચાયતના સહયોગથી સેનિટાઇઝિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જિલ્લાના વિવિધ ગામોમાં શેરી, ફળિયા એમ સંપૂર્ણ ગામમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાવાઈરસ અંગે જાગૃતિ માટે પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.