સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આગામી એપ્રિલ માસમાં ટેમ્પલ કમિટિની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને દેવપક્ષ અને આચાર્ય પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ કમિટિની ચૂંટણી પહેલા આચાર્ય પક્ષને ઝટકો લાગ્યો છે. તો દેવપક્ષની તાકાત વધી છે. નિત્યસ્વરૂપ સ્વામી સહિત સંતો અને પાર્ષદો દેવપક્ષમાં જોડાતા હવે સરધારના પાર્ષદોને સાધુની દીક્ષા મળશે અને તેઓ ટેમ્પલ કમિટિની ચૂંટણીમાં વોટિંગ કરી શકશે જેનો સીધો ફાયદો દેવપક્ષને થશે.
સરધાર રાજકોટના આચાર્ય પક્ષના નિત્ય સ્વરૂપ સ્વામી વિધિવત રીતે દેવપક્ષમાં જોડાતા દેવપક્ષમાં ખુશીનો માહોલ સર્જાયો છે. નિત્યસ્વરૂપ સ્વામી પ્રખર કથા વક્તા છે. જેઓ બુધવારે વહેલી સવારે 6 વાગ્યા બાદ સંતો, પાર્ષદો અને મોટી સંખ્યામાં હરિભકતો સાથે દેવપક્ષમાં જોડાયા છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા વડતાલધામ ખાતે સંતોને આવકારી ફૂલહાર પહેરાવી દેવપક્ષમાં સ્વાગત કરવામાં આવ્યુ હતું. નિત્યસ્વરૂપ સ્વામી તેમજ સંતોએ પણ આચાર્ય મહારાજનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, જીવનમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ કર્તા એકમાત્ર પરમાત્મા છે. શ્રી હરિકૃષ્ણ મહારાજના સંકલ્પ પ્રમાણે કાર્ય થતાં હોય છે. સંપ્રદાયનું રૂડું થાય અને ભક્તો જેમાં રાજી હોય તેમ હું શ્રીહરીને સદાય પ્રાર્થના કરતો હતો. સદૈવ માટે આપણે મહારાજના છીએ તેવો ભાવ સદાય રહેતો. ઠાકોરજીએ પ્રેરણા કરી એટલે વડતાલ દેશમાં આચાર્ય મહારાજ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો છે અને કોઈના પ્રત્યે રાગ દ્વેષ કે ધૃણા કરી નથી.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, નિત્યસ્વરૂપ સ્વામી નિષ્ઠાથી જોડાયા છે. જે ઘટના શ્રીહરિની મરજી થાય છે એવું માને છે. ત્યારે કોઈ વિઘ્ન નડતું નથી અને શ્રીહરિ હરિભક્ત પર વિશેષ રાજી થાય છે. અમારા ગમતામાં રાજી રહે એવો હરિભક્ત તે શ્રેષ્ઠ હરિભક્ત છે. નિત્ય સ્વરૂપસ્વામીએ સત્સંગ મહાસભાના નિર્ણયને સ્વીકાર્યો તે ખૂબ જ પ્રશંસનીય છે. મહત્વનું છે કે, ટેમ્પલ કમિટિની ચૂંટણી પહેલા થયેલ આ ફેરબદલથી વડતાલ સંપ્રદાયના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.