- નડીયાદની શાળાના શિક્ષકને આજીવન કેદની સજા
- દુષ્કર્મ ગુજારવાના મામલામાં નડીયાદ કોર્ટે ફટકારી સજા
- વિદ્યાર્થીની સાથે શાળામાં ગુજાર્યું હતું દુષ્કર્મ
નડીયાદ: નડીયાદ કોર્ટ દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજારવાના મામલામાં શિક્ષકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરનાર ઘટનામાં નરાધમ શિક્ષક મનિષ પાઉલભાઈ પરમારે સગીર વિદ્યાર્થીની સાથે શાળામાં દુષ્કર્મ ગુજાર્યું હતું.
વિદ્યાર્થીની સાથે શાળામાં ગુજાર્યું હતું દુષ્કર્મ
વસો તાલુકાના કરોલી ગામમાં રહેતા મનીષ પાઉલભાઇ પરમાર યુરોકીડ્સ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ગત સપ્ટેમ્બર 2019 માં શાળામાં પોતાના વર્ગમાં અભ્યાસ કરતી એક કિશોરીને કમ્પાઉન્ડમાંથી બીજા માળે પોતાના વર્ગખંડમાં બોલાવી હતી. તેને નાસ્તો ચેક કરવાનું જણાવી નાસ્તાનો ડબ્બો ચેક કર્યો હતો. ત્યારબાદ એક ચાવી મળી હતી તે બતાવી કહેલ કે આ ચાવી તારી છે? તેમ કહી હાથ પકડી વર્ગખંડની બાજુમાં આવેલ ટોયલેટમાં લઇ ગયો હતો અને તેની સાથે જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.
નડીયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોધાયો હતો ગુનો
આ બનાવની જાણ કિશોરીએ પોતાના માતા-પિતાને જણાવી હતી. કિશોરીના માતાપિતા દ્વારા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે આ નરાધમ શિક્ષક મનિષ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો.