કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારના શાસનમાં મોંઘવારી તથા ભ્રષ્ટાચાર વધારવાની સાથે ખેડૂતોને પાક વીમો ન મળવા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. તેમજ શિક્ષિત બેરોજગારોમાં વધારો,બેંકિંગ વ્યવસ્થામાં કૌભાંડ,ગ્રામ્ય વિસ્તારની શાળાઓ બંધ કરવી તેમજ દારૂના ખુલ્લેઆમ વેચાણથી યુવાધનની બરબાદી સહિતના વિવિધ મુદ્દે ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે.
સરકારની આ નિષ્ફળતાઓને ખુલ્લી પાડવાના હેતુસર કોંગ્રેસ દ્વારા જન આંદોલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નડિયાદ ખાતે જન વેદના સંમેલન યોજવામાં આવ્યું હતું.સંમેલનમાં કેન્દ્ર સરકાર તેમજ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.બાદમાં શહેરમાં રેલી યોજવામાં આવી હતી.જેમાં બેનરો દર્શાવી સરકાર અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.રેલી સ્વરૂપે રજૂઆત માટે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના કાર્યાલયે જવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોને રોકવામાં આવતા કોંગ્રેસ કાર્યકરોએ રોડ પર બેસીને ભાજપ વિરોધી સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યો ઠાસરાના કાંતિભાઈ પરમાર, મહુધાના ઇન્દ્રજીતસિંહ પરમાર તેમજ કપડવંજના કાળુભાઈ ડાભી સહિત માજી ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.