ખેડા: આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ખેડા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ નયનાબેન પટેલે દીપ પ્રગટાવી ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું કે, રાજ્યમાં મહિલાઓ પગભર બને,સશક્ત અને સ્વાવલંબી બને તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા ઉત્કર્ષની યોજનાઓ અમલમાં મૂકી છે. રાષ્ટ્રીય મહિલા આજીવિકા મિશન રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં મહિલાઓનું સશક્તિકરણ માટે નોંધપાત્ર કામ છે.આ યોજના હેઠળ રાજ્યમાં 2,51,000 સ્વસહાય જૂથ નોંધાયેલા છે. જેમાં રાજ્યની 26 લાખ જેટલી મહિલાઓ જોડાયેલી છે. સ્વસહાય જૂથોને સ્થાપક ફંડ તરીકે રૂપિયા 29 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે.
લગભગ 5,52000 જેટલી મહિલાઓ પશુપાલન સાથે સંકળાયેલા છે. રાજ્યની બહેનો હેન્ડીક્રાફ્ટ,હેન્ડલુમ જેવા ગૃહઉદ્યોગો ઉપરાંત કોરોનાની મહામારીમાં કાપડના માસ્ક,સેનેટાઈઝર બનાવી આશરે રૂપિયા 5.60 કરોડનું ટર્નઓવર કરેલો છે. વધુમાં તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારની મહિલાલક્ષી અનેક યોજનાઓની માહિતી આપી સૌ મહિલાઓને આ યોજનાનો લાભ લેવા અને તેનો પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નડિયાદ આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ પણ મહિલાઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.ટી.ઝાલાએ સમગ્ર યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી મહિલાઓને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.