ખેડા જિલ્લામાં આવેલા ગોબલજ કાજીપુરા ખાતે એક મોબાઈલ કંપનીના ગોડાઉનમાંથી તારીખ 12/08/2018ની રાત્રીના સમયે 40 નંગ મોબાઈલની ચોરી થઇ હતી. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઘણા સમયથી ગુનો વણ ઉકેલાયેલો રહેવા પામ્યો હતો. જેને લઇ સઘન ટૅકનિકલ વિભાગ દ્વારા તપાસ દરમિયાન ચોરી થયેલા મોબાઈલ ઍક્ટિવ થતા પોલીસ દ્વારા કડીઓ મેળવી રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાંથી 2 આરોપીઓ રમેશ કેસરિયા મીણા અને પવનકુમાર રતનલાલજી મીણાને ચોરીના રૂપિયા 4 લાખની કિંમતના 25 મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
તો આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ હાથ ધરાતા તેઓ ઘણા સમય અગાઉ આ ગોડાઉનમાં કામ કરી ચુક્યા હોવાનું જણાવ્યું હતું. તો પાતાના મોજશોખ માટે તેમજ રૂપિયાની જરૂર હોવાના કારણે ગોડાઉનના પાછળના ભાગથી ઉપર ચઢી પતરા ખોલી મોબાઈલની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. જેમાંથી કેટલાક મોબાઈલ રાખી લીધા હોવાનું અને અમુક મોબાઈલ સસ્તા ભાવે વેચી દીધા હોવાનું જણાવ્યું હતું. આ બંને આરોપીઓને ઝડપી ખેડા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.