રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલાએ જણાવ્યું કે, દેશના સીમાડાઓની સૈનિકો રક્ષા કરે છે. તેમ સ્વચ્છતા (સફાઇ) સૈનિકો શહેરને સ્વચ્છ રાખી શહેરીજનોના આરોગ્યનું રક્ષણ કરે છે. સફાઇ માનવીય સંવેદનાઓ સાથે કર્મચારીઓના પ્રશ્નોનો ઝડપી અને હકારાત્મક ઉકેલ લાવવા તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરોને અનુરોધ કર્યો છે.રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ ખેડા જિલ્લાના તમામ 10 નગરપાલિકાઓમાં સફાઇ કર્મીઓને પાયાની અને માળખાગત તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું.
તેમજ સફાઇ કર્મીઓ પાસે માથે મેલુ ઉપાડવા તેમજ હાથથી સફાઇ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઝાલાએ સફાઇ કર્મીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો પુરા પાડવા, તેમના બાળકો ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા, સફાઇ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં વારસદારને નોકરી, બઢતી, આર.ટી.ઇ હેઠળ સફાઇ કર્મીઓના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું.નડિયાદ નગરપાલિકામાં વર્ષ ૨૦૦૩ માં મૃત્યુ પામેલ સફાઇ કર્મચારીઓને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી સહાય સત્વરે ચુકવવા તેમણે ચીફ ઓફિસરને તાકીદ કરી હતી.કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્યું કે સફાઇ કર્મીઓના આરોગ્યની તપાસ માટે દર ચાર માસે નિદાન સારવાર કેમ્પ કરવામાં આવે છે.
તમામ સફાઇ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્ય સારવાર માટે કાર્ડ પૂરા પાડવામાં આવ્યા છે. સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનો સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ કરવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું.