ખેડા: ICCR ભારત સરકારના ડિરેક્ટર તથા એમ. એસ. યુનિવર્સિટી વડોદરાના સેનેટ સિન્ડીકેટ સભ્ય જીગરભાઈ ઈનામદાર, ઝોન સંયોજક મનોજભાઈ તથા જિલ્લા સંયોજક પ્રણવ સાગરના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની કામગીરીની સમીક્ષા તથા આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા માટે ખેડા જિલ્લાની મિટીંગ યોજાઇ હતી. સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા સરકારની વિવિધ યોજનાઓને ગામે ગામ સુધી લઈ જઈ લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે અને યોજનાઓ વિશે માહિતગાર કરવા માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
રવિવારે લોકડાઉનના સમયગાળા બાદ પ્રથમ વખત બેઠક રાખવામાં આવી હતી. જેમાં જીગરભાઈ ઇનામદાર અને પ્રણવ સાગરના હસ્તે ડાકોર રણછોડરાયજી મંદિરમાં ધજા ચડાવવામાં આવી અને રણછોડરાયજીના દર્શન બાદ પૂજ્ય વિજય દાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મિટીંગની શરૂઆત કરવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં 1081 યુવા કેન્દ્રોની સ્થાપના કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યા હતા. જેમાં 10,000 કરતાં વધુ સંખ્યા વાળા ગામમાં પાંચ યુવા કેન્દ્રો, 7000થી 10,000 લક્ષ્યાંક વાળા વસ્તીવાળા ગામોમાં ચાર યુવા કેન્દ્રો,5000થી 7500ની વસ્તીવાળા ગામમાં ત્રણ યુવા કેન્દ્રો, 3000થી 5000ની વસ્તીવાળા ગામોમાં બે યુવા કેન્દ્રો અને 2500થી ઓછી વસ્તીવાળા ગામોમાં એક સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર બનાવવામાં આવશે.
જેના દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવો, લોકોને યોજનાઓનો લાભ અપાવવો, સરકાર, જિલ્લા વહીવટીતંત્ર તથા સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ગામડે ગામડે લોકોને સહાય કરવી એવા અનેક અભિયાનની શરૂઆત અને એની ચર્ચા જિલ્લા મીટિંગમાં કરવામાં આવી હતી.