નડિયાદ : નડિયાદ શહેરમાં રહેતી મયુરીબેન સરગરા નામની 20 વર્ષીય યુવતી વાણીયાવાડ વિસ્તારમાં ઘરકામ કરતી હતી.જ્યાં તે પોતાનું એક્ટીવા લઈને ગઈ હતી.જે બાદ પોતાનું એક્ટીવા લઈ ઘરે પરત જઈ રહી હતી. તે દરમિયાન તેને ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજા થવાને કારણે લોહી વહેવા લાગ્યું હતું. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. તેને સારવાર માટે શહેરની મહાગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ લોહી વહી જવાના કારણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું.
યુવતીના મોતના પગલે પરિવારમાં ભારે શોક : યુવતીના માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા. જેને લઇ સોમવારે પરિવાર સાથે લગ્ન માટે દાગીનાની ખરીદી કરવા જવાના હતાં. જે પહેલા જ તેનું મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાવવા પામી છે.
પોલીસ દ્વારા ઘાતક ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ : તાજેતરમાં જ ખેડા જિલ્લામાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડી પોલિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ દોરીના વેચાણ અને ઉપયોગને લઈને પણ પોલીસ દ્વારા હાલ પણ કાર્યવાહી ચાલી રહી છે. માનવ સહિત પશુ પક્ષીઓ માટે પણ ચાઈનીઝ દોરી જીવલેણ નીવડી રહી છે. જેને લઈ તેનો વપરાશ ન કરવા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
સારવાર મળે તે પહેલા મોત થયું : મૃતક યુવતીના કાકા મોહનભાઈએ જણાવ્યું હતું કે મયુરીબેનને ગળામાં દોરો વાગ્યા બાદ લોહી નીકળતી હાલતમાં વાહન લઈને ઘર નજીક પહોંચ્યા હતાં પણ રસ્તામાં જ ફસડાઈ પડ્યા હતાં. મયુરીબેનની હાલત જોઈને ત્યાં હાજર લોકો પણ ગભરાઈ ગયા હતાં એટલે તરત સારવાર માટે કોઈ લઈ ગયું ન હતું. પરંતુ બાદમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.ખૂબ લોહી વહી ગયુ હોવાને કારણે સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.