- દિવ્યાંગ બાળકો દ્વારા ડિઝાઈનર દીવડા બનાવવાનો વિક્રમ
- 22 દિવ્યાંગ બાળકો 25 દિવસમાં બનાવે છે 21 હજારથી વધુ ડિઝાઈનર દીવડા
- આ કામગીરીને લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મળ્યું નોમિનેશન
ખેડા : મહાપર્વ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણીમાં દીવડાનું વિશેષ મહત્વ રહેલું છે. હાલ બજારમાં માટીના સાદા કોડિયા સહિત વિવિધ ડિઝાઇનર દીવડા પણ ઉપલબ્ધ છે. ત્યારે નડિયાદના દિવ્યાંગ બાળકો માટે કામ કરતી મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ડિઝાઈનર દીવડા બનાવવાની વિક્રમ સર્જક કામગીરી કરવામાં આવી રહી છે.
બાળકો દ્વારા જાતે જ ડિઝાઈનર દીવડા તૈયાર કરવામાં આવે છે
દિવ્યાંગ બાળકો માટે કામ કરતી મૈત્રી સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સર્જનાત્મકતા કેળવાય તે માટે વિવિધ અનોખી અને અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે. હાલ દિવાળીનો તહેવાર નજીકમાં છે, ત્યારે બાળકોની સર્જનાત્મકતા કેળવાય તે માટે બાળકો દ્વારા જાતે જ ડિઝાઈનર દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
બાળકો બનાવે છે વિવિધ ડિઝાઇનના રંગબેરંગી આકર્ષક દીવડા
આ દિવ્યાંગ બાળકો દ્વારા માટીના સાદા કોડિયાને રંગી, ડિઝાઇન કરી ઉપર ટીલડી ચોંટાડી આકર્ષક રંગબેરંગી બનાવી પેકિંગ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. 22 બાળકો દ્વારા 25 દિવસમાં 21 હજાર ઉપરાંત દીવડા બનાવવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હાલ પણ વિવિધ ડિઝાઈનના દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે.
તૈયાર દીવડા સહયોગી સંસ્થાને મોકલવામાં આવે છે
આ તૈયાર થયેલા દીવડા સહયોગી સ્વૈચ્છિક સંસ્થાને મોકલવામાં આવે છે. આ સાથે જ આ દીવડા દિવ્યાંગ બાળકોના લાભાર્થે વેચાણ માટે મૂકવામાં આવે છે. જેને લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળે છે અને બાળકોને મદદરૂપ થવાના આશયથી લોકો દ્વારા આ દીવડાની ખરીદી કરવામાં આવે છે.
દિવ્યાંગ બાળકો દ્વારા દીવડા બનાવવાની કામગીરીને મળ્યું લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેશન
25 દિવસમાં દિવ્યાંગ બાળકો દ્વારા 21 હજાર ઉપરાંત દિવડા બનાવવાની આ કામગીરીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેશન પણ મળી ચૂક્યું છે. ટૂંક સમયમાં જ સંસ્થાને રેકોર્ડ અંગેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
પ્રકાશ પર્વ દિવાળી નિમિત્તે લોકોના ઘરોમાં ઉજાસ પાથરશે દિવ્યાંગ બાળકો
મહત્વનું છે કે, દિવ્યાંગ બાળકો દ્વારા રાખડી બનાવવા સહિતની વિવિધ કામગીરી કરી આ અગાઉ પણ અનેક રેકોર્ડ નોંધાવવામાં આવ્યા છે. ત્યારે પ્રકાશ પર્વ દિવાળી પર દિવ્યાંગ બાળકો દ્વારા વિક્રમ સર્જક બનાવાયેલા આ દિવડા અનેક ઘરમાં ઉજાસ પાથરશે.