મહેમદાવાદ શહેરમાં આવેલી નગર સેવા સદન કચેરીમાં જ ફાયર સેફ્ટીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. આ સદનમાં ફાયર સેફ્ટીના કોઈપણ જાતના ઉપકરણો-સાધનો નથી. ઉપરાંત મહેમદાવાદ નગરપાલિકામાં બે ફાયર ફાયટર છે, પરંતુ તેને ચલાવનારા ફાયર બ્રિગેડના ટ્રેઈન ડ્રાયવર જ નથી. ત્રણ માળની નગરપાલિકા કચેરીમાં રોજબરોજ શહેરના નાગરિકો વિવિધ પ્રકારના કામ અર્થે આવતા હોય છે. તેમજ નગરપાલિકા કચેરીમાં લગભગ 40થી 60 અધિકારી, કર્મચારીગણ, પટાવાળા, રોજમદાર કર્મચારીઓનો સ્ટાફ છે. મહેમદાવાદ નગરપાલિકા કચેરીમાં સરકારી ફાઈલો તેમજ શહેરનાં વિવિધ પ્રકારના કામોનાં સરકારી દસ્તાવેજો એટલે કે અગત્યના સરકારી પાનાં પત્રો રાખવામાં આવે છે. ત્યારે આ સમગ્ર સરકારી ફાઈલો સાથે દસ્તાવેજોની જાળવણી એટલે કે સુરક્ષા માટે નગરપાલિકાએ સુરક્ષિત જાળવણી કરી આગ ન લાગે અને સરકારી ફાઈલો અને દસ્તાવેજો બળીને ખાખ ના થાય તેમજ આવી આગના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર સેફ્ટીના સાધનો તેમજ ઉપકરણોની વ્યવસ્થા કરવાની જરૂર છે.
મહત્વનું છે કે કેટલાક વર્ષો પહેલાં જુની મહેમદાવાદ નગરપાલિકા કાર્યરત હતી તે સમયે ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના અગત્યના સરકારી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયાં હતાં. ત્યારે નવી કચેરીમાં આકસ્મિક આગ સમયની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે લાગી રહ્યું છે કે મહેમદાવાદ નગરપાલિકા સુરતમાં બનેલી ખુબ જ દર્દનાક દુર્ઘટના નગર સેવા સદનમાં બને તેની રાહ જોઈ રહી છે. જો કે હાલ તો મહેમદાવાદ નગરપાલિકામાં “ડાહ્યી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે” તેવો ઘાટ સર્જાવા પામ્યો છે.