- રાજાધિરાજને ધનુરમાસ નિમિત્તે ખીચડીનો ભોગ ધરાવાયો
- ખીચડીનું ભાવિકો સહિત સ્વાદરસિકોમાં અનેરૂ મહત્વ
- ધનુરમાસમાં જ ધરવામાં આવે છે ખીચડી
ખેડાઃ ધનુરમાસમાં ડાકોર મંદિરમાં ધનુર્માસની ખીચડી બનાવાય છે અને રાજા રણછોડરાયજીને ધરવામાં આવતી હોય છે. જેનું ભાવિકો સહિત સ્વાદરસિકોમાં વિશેષ મહત્વ રહેલું છે.
આ ખીચડીને ધનુરમાસની ખીચડી કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ 16 ડિસેમ્બરથી લઈ 15 જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશિમાં હોઈ આ માસને ધનુરમાસ કહેવાય છે. ધનુરમાસ દરમિયાન સવારે મંગળા આરતી બાદ ભગવાનને આ ખીચડીનો ભોગ ધરવામાં આવે છે. આ માસમાં ભગવાનની મંગળા આરતીનો સમય પણ બદલી સવારે 6.15 કરવામાં આવે છે અને 8 વાગ્યાના અરસામાં ખીચડી ધરાવવામાં આવે છે. વર્ષમાં આ એક જ મહિનો એવો છે, જેમાં ભગવાન ખીચડી ખાતા હોય છે. ત્યારે ભાવિકો પણ હોંશે હોંશે આ સ્વાદિષ્ટ ખીચડી પ્રસાદીરૂપે આરોગે છે.
કેવી રીતે બને છે ધનુરમાસની ખીચડી
આ ખીચડી કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ, ખારેક જેવા સૂકામેવા તેમજ ગરમ મસાલાથી ભરપૂર હોય છે. ખીચડી તુવેરની દાળ અને જેટલા ચોખા એટલા જ ધી માં બનાવવામાં આવે છે. ખીચડીની સાથે ભરેલા રવૈયા ( રીંગણ )નું શાક અને કઢી ધરાવવામાં આવે છે.
ખીચડી આરોગવાનું મહત્વ
ધનુરમાસ દરમિયાન ઠંડી પડતી હોય છે, જેમાં શરીરને વિશેષ પોષણની જરૂર રહેતી હોય છે. જેને લઈ રાજાધિરાજને સૂકામેવા અને મસાલાથી ભરપૂર ખીચડી ધરાવાય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બનતી આ ખીચડીનું સ્વાદ રસિકોમાં અનેરું મહત્વ રહેલું છે અને તે દેશભરમાં વખણાય છે.