ખેડા : જિલ્લાના કપડવંજ શહેરમાં 16 વર્ષીય કિશોરની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ પાડોશી દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં કિશોર ગંભીર ઈજાગ્રસ્ત થતાં મૃત્યુ પામ્યો હતો. હાલ પાડોશમાં રહેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ આ ત્રણ શખ્સ કિશોરીને મારીને ફરાર થઈ ગયા છે. ત્યારે આ શખ્સોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
શું હતો સમગ્ર મામલો : કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર દશામાતાના મંદિર પાસે રહેતા અમરીબેન કાંતિભાઈ સલાટના ઘરે તેમના જેઠના દિકરાનો દિકરો 16 વર્ષીય દિપક તેમજ ભાણીયો સંજય રહે છે. આ સંજય બે દિવસ અગાઉ રહેવા આવ્યો હતો. ગતરોજ બપોરે 3 વાગ્યાની આસપાસ અમરીબેનના ભાણીયા સંજયે આ અમરીબેન પાસે સુરત જવા માટે ભાડાના રૂપિયા માંગ્યા હતા. ત્યારે અમરીબેને કહ્યું હતું કે, તું મજૂરી કરી રૂપિયા ભેગા કરીને સુરત જતો રહેજે. બાદમાં સંજયે દિપકને દિલીપભાઈ ક્યારે ઘરે આવવાના છે તેમ પુછવા દીલીપભાઇના ઘરે મોકલ્યો હતો. જે સમયે દિલીપભાઈની સાળી રેખાને પુછીને ઘરે પરત આવતો રહ્યો હતો.
આ પણ વાંચો : Jamnagar Crime : સિરિયલ કિલરની શંકા, ફરી એક યુવતીને ટાર્ગેટ કરીને પ્રેમીકાની વાડીમાં કરી હત્યા
છાતીના ભાગે માર્યો : મોડી રાત્રે આ રેખાબેનના પિતા દિનેશભાઈ ચતુરભાઈ સલાટ, દિનેશભાઇનો પુત્ર અનિલભાઈ સલાટ અને રતિલાલ ડાહ્યાભાઈ સલાટે ભેગા મળીને અમરીબેનના ઘરે આવ્યા હતા. જ્યાં તેઓએ અમારી રેખાબેન સાથે કેમ બોલે છે તેની રીસ રાખી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં રતિલાલ સલાટે દિપકને છાતીના ભાગે લાત મારી નીચે પાડી દીધો હતો. અનિલભાઈ સલાટે છાતીના ભાગે મુક્કા મારી ગડદાપાટુનો માર મારેલો હતો. આ ઝઘડામાં સંજય વચ્ચે છોડવા પડતા અનિલે અને દિનેશે પટ્ટો કાઢી તેને માર માર્યો હતો. દિપકને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં તેને ઉલટીઓ શરૂ થઇ હતી. ઉલટીઓ શરૂ થતાં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં દિપકની ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad Crime: આજે તો 108 માં તારો મૃતદેહ જશે, એમ કહીને આધેડની હત્યા કરી નાંખી
આરોપીઓ ફરાર થઈ ગયા : કિશોરને ગંભીર માર મારી ત્રણે શખ્સો ફરાર થઈ ગયા હતા. જે મામલે અમરીબેન સલાટે હુમલો કરી હત્યા કરનાર ત્રણે આરોપીઓ સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતે કપડવંજ ટાઉન PI એ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ આરોપીઓ ફરાર છે અમારા દ્વારા તેમને શોધી કાઢવાના સઘન પ્રયાસો ચાલુ છે.