મહત્વનું છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના ૨૬ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જે પૈકી પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૧૭ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરી ગામડાઓમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જયારે અન્ય પ્રશ્નોનું નિરાકરણ પ્રગતિ હેઠળ છે.
જિલ્લા પ્રભારી સચિવ એ.કે.રાકેશે બેઠકમાં ઉપસ્થિત તમામ પ્રાંત અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઇ પીવાના પાણીના પ્રશ્નોના નિવારણ માટે સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા જણાવ્યું હતું. જે ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન હોય તે ગામોમાં સત્વરે એકશન પ્લાન ઘડી કે આગોતરૂ આયોજન કરી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચતું કરવાની વ્યવસ્થા કરવામાં તેમણે ખાસ જણાવ્યું હતું. પીવાના પાણીના પૂર્ણ થયેલ કામોમાં વીજળી કે પાઇપ લાઇન કનેકશન કે અન્ય બાબતને લીધે કામ અટકયું હોય તો તેવા વખતે જુદી જુદી કચેરીઓને સંકલન કરવા તેમણે જણાવ્યું હતું.
કલેકટરે સુધીર પટેલે તમામ કચેરીઓને પીવાના પાણીની વિવિધ યોજના અને કાર્યક્રમના ભાગરૂપે બાકી રહેલા કામો સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી. ચોમાસા પૂર્વે સુજલામ સુફલામ જળ અભિયાનના કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. પટેલે ખેડા જિલ્લામાં પીવાના પાણી સંબંધિત તમામ પરિસ્થિતિનો સમગ્રયતા અહેવાલ રજૂ કર્યો હતો.
ખેડા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ચાલુ વર્ષે ૬૭૯ કામો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી ૧૨૪ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે ૨૧૭ કામો પ્રગતિ હેઠળ છે અને ૩૩૮ કામો હવે શરૂ કરવામાં આવશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ સહિત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ,ચીફ ઓફિસરો હાજર રહયા હતાં.