ખેડા : જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામે અજાણ્યા પરપ્રાંતિય યુવાનને ચોર સમજી ગ્રામજનો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાને પગલે છત્તીસગઢના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. જે મામલામાં પોલિસ દ્વારા ગુનો નોંધી 7 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Kheda News : ચોરની શંકાએ ગ્રામજનોએ ઢોર માર મારતાં પરપ્રાંતિય યુવકનું મૃત્યુ
સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો : ચોર સમજી ગામલોકોએ યુવકને ગંભીર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસને જાણ થતાં તાત્કાલીક રાત્રે ગામમાં દોડી ગઈ હતી. અને પોલીસે તપાસ કરી આ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં યુવાનનું ટૂકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે સાત વ્યક્તિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરાઈ હતી. જે દરમિયાન તમામ સાત આરોપીઓની અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે.
શું હતી સમગ્ર ઘટના : સુઢા વણસોલ ગામમાં અજાણ્યો શખ્સને શંકાસ્પદ રીતે આંટાફેરા મારતો હોવાને પગલે ગ્રામજનોએ એકઠા થઈ ગયા હતા. બાદમાં ગામમાં આંટાફેરા મારી રહેલા આ યુવકને પકડ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ફરિયાદો વધી છે. જેથી ગ્રામજનો રાત્રે જાગી રખેવાળી કરી રહ્યા હતા. યુવકને પકડ્યા બાદ ગ્રામજનોએ આ યુવકની પૂછપરછ કરી હતી. જેમાં યુવક પરપ્રાંતિય હોવાથી તેની ભાષા ગ્રામજનો સમજી શકતા ન હતા. જેના કારણે ગ્રામજનોએ આ યુવક ગામમાં ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાનું સમજી બેઠા હતા અને ખુબ માર માર્યો હતો.
પોલીસ અને ગામલોકોની સહાય : આ કરૂણ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો મહેમદાવાદ પોલિસ મથકે પહોંચ્યા હતા. જ્યાં મહેમદાવાદ પોલિસ અને ગ્રામજનો દ્વારા માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. યુવાનના પરિવારજનોને મદદરૂપ થવા માટે 1 લાખની રોકડ સહાય આપી હતી.
આ પણ વાંચો : Kheda News : ચોરની શંકાએ ગ્રામજનોએ ઢોર માર મારતાં પરપ્રાંતિય યુવકનું મૃત્યુ
બનાવ સમયે પોલીસનું નિવેદન : ઘટના બની ત્યારે સમગ્ર મામલે ઇન્ચાર્જ એસપી વી.આર.બાજપાયીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પોલીસને જાણ કરે તે અગાઉ જ ગામ લોકો દ્વારા યુવાનને બાંધી માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વ્યક્તિ છત્તીસગઢનો હતો અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો હતો. તારીખ 17 માર્ચના રોજ તે આવ્યો હતો અને તેને ગંભીર રીતે માર મારતા માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી સારવારમાં ખસેડયા દરમિયાન ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના પગલે ગુનો નોંધી શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.