ખેડાઃ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ખેડા પોલીસ તેનો અસરકારક અમલ કરાવવા સાથે પોતાનું સમાજ પ્રત્યેનું ઋણ પણ અદા કરી રહી છે. ખેડા જિલ્લા પોલીસવડા દિવ્ય મિશ્રના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શુભાશિષ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધ નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ઘરે પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ નડિયાદમાં વયોવૃદ્ધ નાગરિક જિતેન્દ્રકુમાર શાહના ઘરે જઈ પોલીસ અધિકારીઓ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. લોકડાઉનની સાથે ખેડા પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી અનોખી સામાજિક સંવેદનાના દર્શન કરાવ્યા છે.