ખેડા : ખેડા જિલ્લાના વારસંગ ગામે ભૂંડ પકડવા માટે ભૂંડ પકડનાર ટોળકી દ્વારા જાળ નાંખવામાં આવી હતી.જેમાં બે દીપડા ફસાઈ ગયા હતા.જેમાંથી એક દીપડો જાળ તોડી ભાગી છૂટ્યો હતો.જ્યારે એક દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પુરાયો હતો.ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થવા પામ્યો છે.
જાળમાંથી એક દીપડો ભાગી છૂટ્યો : ભૂંડ પકડનારી ટોળકી દ્વારા નાંખવામાં આવેલી જાળમાં ભૂંડ તો ના પકડાયુ પણ બે દીપડા પકડાઈ ગયા હતા.એક સાથે બે દિપડા જાળમાં ફસાતા ભૂંડ પકડનારી ટોળકી પણ વિચારમાં પડી ગઇ હતી. દીપડા છૂટવા માટે ભૂંરાટા થતા ત્રાડો નાંખતા ફફડી ઉઠેલા લોકોએ વન વિભાગને જાણ કરી હતી.જો કે તે દરમ્યાન એક દીપડો જાળ તોડી ભાંગી છૂટ્યો હતો.
એક દીપડો પાંજરે પુરાયો : વન વિભાગને જાણ કરવામાં આવતા ધોળકા વન વિભાગની ટીમ દ્વારા જાળમાં ફસાયેલા દીપડાને કલાકોની જહેમત બાદ પાંજરે પુરવામાં આવ્યો હતો. જે દીપડાને પોલો ફોરેસ્ટમાં લઈ જવાયો હતો. જ્યારે ભાગી છૂટેલા દીપડાને પકડવા માટે ખેડા અને ધોળકા વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં બે પાંજરા મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો Search Operation: દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાયો, પૂરાવા મળતા વનવિભાગે શરૂ કરી કાર્યવાહી Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ |
લોકોમાં ભયમાં વધ્યો : ભૂંડ પકડનારી ટોળકી દ્વારા જાળમાં બે દીપડા ફસાયેલા જોતાં સમગ્ર ગામમાં વાત ફેલાઈ જવા પામી હતી.વિસ્તારમાં પ્રથમ વખત જ એકસાથે બબ્બે દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. દહેશતને પગલે ગ્રામજનો સીમ વિસ્તારમાં ખેતરમાં જવાનુ ટાળી રહ્યા છે.
ભૂંડ પકડવાવાળાનો બોલાવ્યાં હતાં : ખેડૂતોને ભૂંડનો ત્રાસ હોવાથી ભૂંડ પકડનાર આ વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતાં. ઘટનાને લઈ દહેશતમાં આવેલા સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અહીં ભૂંડનો બહુ ત્રાસ હોઈ ભૂંડ પકડનાર આવ્યા હતા. તેમના દ્વારા નાખવામાં આવેલી જાળમાં બે દીપડા ફસાયા હતા. ભાગી ગયેલા દીપડાની દહેશતને પગલે ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. પાંજરૂ મૂક્યાને છેલ્લા 24 કલાક જેટલો સમય પસાર થઈ ગયા બાદ પણ હજી સુધી બીજા દીપડાની ભાળ મળી નથી. દીપડો વહેલો પકડાય તો ખેતરમાં કામ કરી શકાય. હાલ ભયને કારણે કામ કરવા કોઈ આવતું ન હોઈ ખેતરમાં કામ અટકેલા પડ્યા છે.
વન વિભાગ દ્વારા પાંજરા મૂકાયા બાદ કોઇ તપાસ નથી : આ વિસ્તારથી ધોળકા નજીક હોઈ ધોળકા વન વિભાગ દ્વારા પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ હતી.જેમાં વનવિભાગે પકડાયેલા દીપડાને જંગલમાં મોકલી ભાગી છૂટેલા દીપડાને પકડવા માટે બે પાંજરા મુકાયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વન વિભાગ દ્વારા માત્ર પાંજરા મૂકીને ગયા છે.જે બાદ આજે અહીંયા કોઈ અધિકારી કે કર્મચારી આવ્યા નથી.ખેડૂતો અહીંયા ખેતી કરવા આવવા માટે ડરે છે. ગામમાંથી આ વિસ્તારમાં જવા માટે 10 કિલોમીટર અંતર કાપવું પડે છે. જેમાં 3 કિલોમીટર જંગલ વચ્ચેથી જવું પડે છે.
બે યુવકો સામે કાર્યવાહી હાથ ધરાઈ : ખેડા વન વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઘટનામાં વિડીયો બનાવનાર બે યુવકોની અટકાયત કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખેડા વન વિભાગ હાલ સમગ્ર મામલે તપાસ કરી તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની વિગતો સાંપડી રહી છે.
દીપડાની પૂંછડી પકડીને બનાવાયેલો વિડીયો વાયરલ : દીપડા જાળમાં ફસાવાની સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેમાં ભૂંડ પકડનારી ટુકડીના એક યુવકે દીપડાની પૂંછડી પકડી વિડીયો ઉતાર્યો છે. જેમાં તે યુવક બોલી રહ્યો છે કે તે અમને નુકશાન કર્યુ છે. અમારા ઘણા ભૂંડને માર્યા છે. ત્યારે દીપડાને પકડવા જ આ જાળ બીછાવાઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોને લઈને પણ વિવાદ થવા પામ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડનો ઉપદ્રવ : ખેડા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડનો ઉપદ્રવ જોવા મળે છે. ભૂંડ ખેતરોમાં ભેલાણ કરી ઉભા પાકનો સફાયો બોલાવી દે છે. જે ખેડૂતોને તોબા પોકારી દેવડાવે છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડ પકનાર ઘણી ટોળકીઓ સક્રિય છે. જે ભૂંડને પકડીને લઈ જાય છે. આ ટોળકીઓ દ્વારા ભૂંડને પકડવા જાળ પણ નાંખવામાં આવતી હોય છે.