ડાકોર : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે સોમવારે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનને શ્રીરામજીનો શણગાર ધારણ કરાવવામાં આવ્યો હતો. તેમજ ભગવાનના સોનાના શસ્ત્રો અને આયુધોની શોભાયાત્રા કાઢી વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે ભગવાને સવારીમાં બિરાજમાન થઈ વિધિવત રીતે પોતાની કલાઈ પર બાંધેલી રાખડી છોડી હતી. ભગવાનના સોનાના શસ્ત્રોની શોભાયાત્રા કાઢી પૂજન કરાયું છે. સોનાના શસ્ત્રોની પૂજા કરી ભગવાનને ધરવામાં આવ્યાં હતાં.
પાલખીમાં શોભાયાત્રા : ભગવાન રણછોડરાયજીના સોનાના શસ્ત્રો તેમજ આયુધોની ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પાલખીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરાવાયુ હતું. જે બાદ શોભાયાત્રા મંદિરમાં પરત ફરી હતી. પરત આવ્યા પછી રણછોડરાયજી સન્મુખ શાત્રોકત વિધિથી આયુધો અને શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.
રણછોડરાયજી મંદિરમાં દશેરા પર્વની ઉજવણી નિમિત્તે સોનાના શસ્ત્રો અને આયુધોની પૂજા કરવામાં આવી હતી. નિર્ધારિત રૂટ પર શસ્ત્રોની શોભાયાત્રા કાઢી ગોમતીજીમાં સ્નાન કરાવાયુ હતું. જે બાદ ભગવાન સન્મુખ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. જે બાદ ભગવાનને તિલક કરી સોનાના શસ્ત્રો અને આયુધો ધરવામાં આવ્યા હતાં...તીર્થ પંડ્યા (રણછોડરાયજી મંદિરના સેવક )
સોનાના આયુધો : રણછોડરાયજી શ્રીરામ સ્વરૂપે બિરાજમાન થાય છે સત્ય પર અસત્યના વિજયના પ્રતીક દશેરા પર્વે ભગવાન રણછોડરાયજી શ્રીરામ સ્વરૂપે બિરાજમાન થાય છે. રણછોડરાયજીને શસ્ત્રોની પૂજન વિધિ બાદ સોનાના આયુધો જેવા કે ધનુષ બાણ,ઢાલ,તલવાર,કટારી વગેરે રણછોડરાયજીને તિલક કરી ધરાવાય છે. વિજય ઉત્સવ ખૂબ જ ધામધુમથી મનાવાય છે.
કાંડે બાંધેલી રાખડી છોડવામાં આવી : દશેરા પર્વ પર સાંજે શ્રીજી સવારીમાં બિરાજમાન થઈ પોતાને કાંડે બાંધેલી રાખડી છોડવા જાય છે. ભગવાનની સવારી વાજતેગાજતે મોતીબાગ પહોંચી હતી. જ્યાં ભગવાનની કલાઈ પર બાંધેલી મોતીની રાખડી છોડવામાં આવી હતી. દશેરા પર્વે ભાવિક ભકતોએ રામ સ્વરૂપે બિરાજમાન કાળિયા ઠાકોરના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
નક્ષત્ર મુજબ થાય છે તહેવારોની ઉજવણી : યાત્રાધામ ડાકોર ખાતે વર્ષ દરમિયાન તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જે તહેવારો વૈષ્ણવ માર્ગી રીતે ઉજવાય છે. તેમજ મંદિરની પરંપરા પ્રમાણે તિથિ અનુસાર નહી પરંતુ નક્ષત્ર મુજબ દશેરા,રથયાત્રા સહિતના વિવિધ તહેવારોની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. જે મુજબ આજે નક્ષત્ર પ્રમાણે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.