ખેડા : ખેડા જિલ્લાના ચકચાર મચાવનાર સીરપકાંડમાં અત્યાર સુધી કુલ સાત વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે. Ks[e પોલીસ દ્વારા મામલામાં સંકળાયેલા છ આરોપીઓને ઝડપી લીધા બાદ રિમાન્ડ મેળવી હાલ તપાસ ચાલી રહી છે. જે દરમિયાન રોજેરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન આરોપી યોગેશ સિંધીએ સીરપ માટે એક વર્ષ દરમિયાન 15,000 લિટર જેટલું કેમિકલ મુંબઈથી મંગાવ્યું હોવાનો ખૂલાસો થવા પામ્યો છે.
તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે દરમિયાન યોગેશ સિંધીએ છેલ્લા એક વર્ષ દરમ્યાન 15 હજાર લિટર કેમિકલ મુંબઈથી તોફીક પાસેથી મંગાવ્યું હોવાનું જણાવ્યું હતું...એન. ડી. ચૂડાસમા (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના તપાસ અધિકારી )
સાત લોકોના મોત નિપજ્યાં હતાં : નડિયાદના બિલોદરા ગામે શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીવાથી એક બાદ એક કુલ સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં.જે મામલાએ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. જે કેસની તપાસ એસઆઈટી દ્વારા ચાલી રહી છે. હાલ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. જે દરમિયાન ઝડપાયેલા છ આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. આરોપીઓની પૂછપરછમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.
15 હજાર લિટર કેમિકલ મંગાવ્યું હતું : પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ દરમિયાન યોગેશ સિંધી દ્વારા સીરપમાં ઉપયોગ કરવા માટે છેલ્લા એક વર્ષમાં મુંબઈથી 15 હજાર લીટર જેટલું કેમિકલ મંગાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. નશીલી સિરપનું પોતાની ફેક્ટરી ખાતે ઉત્પાદન કરનાર યોગેશ સિંધીએ મુંબઈના તોફિક પાસેથી કેમિકલ લાવીને પોતાની મોકમપુરા ખાતે આવેલી ફેક્ટરીમાં સીરપ બનાવતો હતો.
વધુ ખુલાસા થવાની શક્યતા : હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. જે દરમિયાન નશીલી સીરપના કાળા કારોબારના વ્યાપક નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે. રિમાન્ડ દરમ્યાન થતાં ખુલાસામાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ત્યારે સમગ્ર મામલામાં તપાસ દરમ્યાન હજૂ વધુ ખુલાસા થવાની શક્યતા રહેલી છે.