ખેડાઃ જિલ્લા LCBને મળેલી બાતમીને આધારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી આઈશરમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા 6,83,400ની કિંમતનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો અને કાર તેમજ આઈશર સહિતનો કુલ રૂપિયા 13,26,370 નો મુદ્દામાલ સાથે 4 પરપ્રાંતિય આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા LCBને વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી અંગે બાતમી મળી હતી. જેને આધારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે MP પાર્સિંગની આઇશર આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. જેમાં કોળાની કોથળીઓ નીચે ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની જુદી-જુદી બનાવટની રૂપિયા 6,35,601 કિંમતની 338 નંગ બોટલો તથા રૂપિયા 48,000 ની કિંમતની 480 નંગ બિયરના ટીન મળી રૂપિયા 6,83,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જેને આધારે પોલીસ દ્વારા વાહન ચાલક તેમજ પાયલોટીંગ કરતી કારમાં બેઠેલા 3 મળી કુલ 4 પરપ્રાંતિય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા દારૂના જથ્થા સહિત આઈશર, કાર, કોળાની કોથળીઓ, મોબાઇલ તથા કુલ રૂપિયા 13,26,370નો મુદ્દામાલ ઝડપી 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.