- કુલ 16 ગાડીઓ પૈકી ચોરી કરેલ 13 ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી
- આરોપી ચોરીની ગાડીઓના એન્જીન તથા ચેસીસ નંબરો સાથે છેડછાડ કરી ગાડીઓ વેચતો હતો
- અન્ય આરોપીઓ અને ગાડીઓ શોધવા માટે પોલીસ તપાસ શરૂ
ખેડા: એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, માતર તાલુકાના ગરમાળા ગામે રહેતો અને ચોરીની ગાડીઓનો વેપલો કરનારો ઇમરાનખાન પઠાણ હાલ અલીન્દ્રા ચોકડી પાસે એન્જીન તથા ચેસીસ નંબરો સાથે છેડછાડ કરેલી એક જીપ કંપાસ અને ક્રેટા ગાડી લઈને ઉભો છે. આ બાતમીના આધારે ઇમરાન ખાન અહેમદ ખાન પઠાણ (રહે.ગરમાળા,તા.માતર,જી.ખેડા)ને જીપ કંપાસ તેમજ ક્રેટા ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં પ્રાથમિક રીતે એન્જિન નંબર સાથે છેડછાડ થયેલ હોવાનું જણાયું હતું.
ચોરીની ગાડીઓના એન્જીન તથા ચેસીસ નંબરો સાથે છેડછાડ કરતા હતા
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવતા વસીમ ઉર્ફે ભૂરો અકબરઅલી કુરેશી (રહે.અમદાવાદ)નો પોતાના ભંગારના વાડામાં સ્ક્રેપમાં આવેલ ટોટલ લોસ ગાડીઓની આર.સી બુક પોતાની પાસે રાખે છે અને ચોરી કરી મંગાવેલી ગાડીઓના એન્જીન તથા ચેસીસ નંબરોમાં છેડછાડ કરી ટોટલ લોસ ગાડીની આર.સી બુકનો નંબર લખી આ ગાડી બીજાના નામે વેચાણ કરવા આપતા હોવાની હકિકત જણાવી હતી. એલસીબી દ્વારા આ બંને ગાડીઓ જપ્ત કરી વિસ્તૃત તપાસ હાથ ધરાઈ હતી.
ચોરી કરેલી ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી
એલસીબીને પ્રાથમિક તપાસમાં આ રીતે કુલ 16 ગાડીઓ વેચવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પોલીસ દ્વારા દિલ્હીથી ચોરવામાં આવેલી ચાર ગાડીઓ સહિત 13 જેટલી ગાડીઓ કબજે કરવામાં આવી છે. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ફરાર વસીમ કુરેશીને તેમજ સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા સહિત અન્ય વાહનોની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.