ખેડા: ખેડા જિલ્લાના ગોબલેજ પાસે આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગ બુઝાવવા માટે ખેડા સહિત અમદાવાદ જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમ 14 ફાયર ફાયટર સાથે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આજે વહેલી સવારે અમદાવાદ નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી હતી.
ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા : ખેડાના ગોબલજ ખાતે અમદાવાદ નજીક આવેલી ફોરમોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા પાંચ કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અચાનક આગ લાગવાને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. અચાનક લાગેલી આગને કારણે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. હાજર લોકોએ પાણી વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પ્રચંડ હોવાના કારણે નિષ્ફળતા મળી હતી અને પ્લાસ્ટિકના કારણે આગ જોતજોતાંમાં વિકરાળ બની ગઇ હતી.
આગ લાગવા બાબતે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોલ મળ્યો હતો. જે બાદ અસલાલી ફાયર બ્રિગેડ ટીમ પહેલા પહોંચી હતી. જે બાદ અમદાવાદ અને ખેડા જિલ્લાની 14 જેટલા ફાયર ફાયટર પહોંચ્યા હતાં. મોટેભાગે આગ પર કાબૂ મેળવાયો છે. થોડા સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાશે...અમિત પાન્ડુંગરે (અમદાવાદ ફાયર ઓફિસર)
આગ બુઝાવવા અમદાવાદથી 14 ફાયરબ્રિગેડ ટીમ પહોંચી : ભીષણ આગ લાગવાની ઘટનાની જાણ કરતાં જ ખેડા અને અમદાવાદ જિલ્લાની વિવિધ ફાયરબ્રિગેડ ની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં નડિયાદ,ખેડા,બારેજા અસલાલી, ધોળકા અને અમદાવાદના આઠ ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. તમામ ટીમ દ્વારા આગ બુઝાવવાની કલાકોની જહેમત બાદ હજી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગી શકે છે. ફાયર વિભાગની આગ બુઝાવવાની કામગીરીમાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો ત્યારે અંદરથી પ્લાસ્ટિકનો મોટો જથ્થો પોલીથીન અને રોલના રૂપમાં જોવા મળ્યો હતો.
ફાયરબ્રિગેડનું શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન : ફોરમોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડની ભીષણ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી તેથી તંત્રે રાહતની લાગણી અનુભવી હતી. જો કે ફેક્ટરીમાં માલસામાન બળીને ખાક થઈ જતા ભારે નુકશાન થવાની શક્યતા છે. અંદર કેટલું પ્લાસ્ટિક છે અને આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી પણ આગ બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ શા કારણે લાગી તેનું પ્રાથમિક તારણ પણ જાણવા મળ્યું હતું. જેમાં આવી ભીષણ આગ લાગવા માટે હાલ પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોય તેવું કારણ હોવાનું જાણવા મળી રહ્યું છે.