ખેડા: જિલ્લાના વડતાલ ખાતે ગાડી ઉપર બેસી જાહેરમાં હથિયારો વડે કેક કાપી અને અન્યોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલામાં ચકલાસી પોલીસ દ્વારા ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીડિયો વાયરલ: ઉત્સાહના અતિરેકમાં ભાન ભુલી જોખમી રીતે જન્મદિવસની ઉજવણી કરનારાઓને ચકલાસી પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું હતું. તારીખ 27/08/2023 ના રોજ સોશિયલ મીડિયાના ઇન્સ્ટ્રાગ્રામ એપ્લીકેશન meghalgor_mafia_1001 નામની આઈ.ડી ઉપર એક વીડિયો વાયરલ થયેલ હતો. જે વીડિયોમાં અમુક વ્યક્તિઓ જન્મદિવસની ઉજવણી કરતી વખતે પોતાના હાથમાં ચપ્પુ અને છરા જેવા તિક્ષ્ણ હથિયાર લઇ જાહેરમાં કેક કાપતા અને જન્મ દિવસની ઉજવણી કરતા હતા. તેઓ જાહેરમાં બીજા માણસોની જીંદગી જોખમમા મુકાય તે રીતે હાથમાં ફટાકડા રાખી હવામાં ફોડતા જણાઇ આવેલ હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
ફટાકડા હાથમાં રાખી હવામાં ફોડેલ: વીડિયોમાં રહેલા માણસો બાબતે તપાસ કરતા ગાડી ઉપર બેસી હાથમાં છરો લઇ કેક કાપનાર વ્યક્તિ મેઘલકુમાર શૈલેષભાઈ ગોર તથા તેની સાથે તેના મિત્રો હોવાનુ જણાતા તેને તપાસ કરાઈ હતી. મેઘલકુમાર શૈલેષભાઈ ગોર તથા તેના મિત્રો વડતાલ ખાતેથી મળી આવતા મેઘલકુમારની ગાડીમાંથી બે છરા મળી આવી હતી. જે છરા તથા આરોપી મેઘલકુમારનો મોબાઇલ ફોન તપાસ માટે કબજે કરવામાં આવ્યો હતો. આ ઇસમોએ જાહેરમાં છરા જેવા હથિયારો રાખી તથા બીજા લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ફટાકડા હાથમાં રાખી હવામાં ફોડ્યા હતા. આરોપીઓએ જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરેલ હોય તમામ ઇસમોને પકડી અટક કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.