ખેડા : જિલ્લાની કપડવંજ કોર્ટ દ્વારા 405 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને 14 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં કઠલાલના મિર્ઝાપુર પાસેથી ટ્રકમાં લઈ જવાતા 40 લાખના 405 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો હતો. સમાજમાં ગુનાનું વધતું જતું પ્રમાણ અટકાવવા કોર્ટ દ્વારા આરોપીને 14 વર્ષની સખત કેદની સજા સાથે 1 લાખનો દંડ ફટકારી ગુનેગારોમાં કાયદાની ધાક બેસાડતો ચુકાદો અપાયો છે.
શું હતી સમગ્ર ઘટના : 9 ઓગસ્ટ 2020ના રોજ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે નંબર 47 પર મિરઝાપુર ગામ નજીક મહાકાળી હોટલ સામે રોડની સાઈડમાં ટ્રક નંબર યુપી 83 સીટી 1538 માં ગાંજો ભરેલો છે તેવી બાતમી મળી હતી. જેના આધારે અલગ-અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બાતમીના સ્થળ પર વર્ણન મુજબની ટ્રક રોડની સાઈડમાં ઉભેલી મળી આવી હતી. જે ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી 22 મીણીયાના થેલાઓમાં 9-9 લેખે કુલ 198 પાર્સલોમાં કુલ 405 કિલો 40,50,000ની કિંમતનો ગાંજો ભરેલો મળી આવ્યો હતો.
50 લાખનો મુદ્દામાલ જપ્ત : જેને લઇ આરોપી તનવીરહુસેન તકસીરહુસેન અલવીસૈયદ (રહે. ફિરોઝાબાદ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે તેની સાથેના અન્ય બે આરોપીઓ ભાગી છૂટયા હતા. પોલીસ દ્વારા 3 મોબાઈલ ફોન, રોકડ તેમજ ટ્રક મળી કુલ રૂપિયા 50,52,510ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : Rajkot Crime : ગાંજાનો સ્ટોક મહિલાને ડિલિવર થાય એ પહેલા જ શખ્સો ઝડપાયા, રીક્ષામાં થતી હેરાફેરી
કપડવંજ કોર્ટનો હુકમ : આ મામલે કપડવંજ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેનો આજ રોજ ચુકાદો આપવામાં આવ્યો છે. સરકારી વકીલ મિનેષ.આર. પટેલની દલીલો, 16 સાહેદોના પુરાવા અને 82 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ સેશન્સ જજ વી.પી.અગ્રવાલની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આરોપી તનવીરહુસેન તકસીરહુસેન અલવીસૈયદને 14 વર્ષની સખત કેદ અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વાડી રે માયલો લીલો ગાંજો, હનુમાન દાદાની સેવા પાછળ ગાંજાના છોડનું વાવેતર કરતા પુજારી
પુરાવાના અભાવે એક આરોપી નિર્દોષ : મદદનીશ સરકારી વકીલ મિનેષ પટેલે જણાવ્યું હતું કે, આ ચુકાદો NDPS કેસનો આવ્યો છે. જેમાં તનવીરહુસૈન સૈયદ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો. જેને કોર્ટ દ્વારા 14 વર્ષ સખત કેદની સજા અને 1 લાખ દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષ કેદની સજાનો હુકમ કરેલો છે. જ્યારે અન્ય એક આરોપી સંતોષને પુરાવાના અભાવે કોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યો છે.