- કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડમાંઃ કલેક્ટર
- NDRFની ટીમ તૈનાત કરવા સાથે લોકોને સ્થળાંતરિત કરાયા
- જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ
ખેડાઃ તૌકતે વાવાઝોડાની અસરને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ સાથે જ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈને કચ્છનું વહીવટીતંત્ર સજ્જ, કર્યો આ બીચ બંધ
કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડમાં: કલેક્ટર
જિલ્લામાં વાવાઝોડાની અસરને લઈને ઉપસ્થિત થનારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડમાં હોવાનું જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું. આગામી 24થી 36 કલાક માટે ઓક્સિજન સપ્લાય અટકે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. જિલ્લાની હોસ્પિટલોમાં જનરેટર બેકઅપની વ્યવસ્થા નથી ત્યાં તાત્કાલિક જનરેટર વ્યવસ્થા ઉભી કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ વીજળીનો પુરવઠો નિયમિત રહે તે માટે વિજપુરવઠાના તમામ અધિકારીને સૂચના આપવામાં આવી છે. તેમજ ખેડા જિલ્લાની તમામ ફાયર બ્રિગેડ એલર્ટ મોડ પર છે. જિલ્લાના 4 તાલુકામાં 24 કલાક સતત ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. નડિયાદ શહેરમાં હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી છે.
NDRFની ટીમ તૈનાત કરવા સાથે લોકોને સ્થળાંતરિત કરાયા
નડિયાદ શહેરમાંથી 454 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમજ માતર તાલુકાના માતર તાલુકાના દલોલી, બામણગામ, વાલોત્રી, સીંજીવાડા ગામના 116 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ NDRFની 1 ટીમ માતર ખાતે પહોંચી ચૂકી છે.