કારગીલ યુદ્ધમાં ખેડા જિલ્લાના કપડવંજના નિરમાલી ગામના વીર શહીદ દિનેશ વાઘેલાને ભારે વીરતા દાખવી સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી શહીદી વહોરી હતી. નિરમાલી ગામમાં રહેતા મોહનભાઇ વાઘેલાને ત્રણ પુત્રો હતા. જેમાંથી મોટો પુત્ર દિનેશભાઈ અમદાવાદ ખાતે મદદનીશ કલા શિક્ષક તરીકેની સેવા આપ્યા બાદ દેશ માટે કંઈક કરી છુટવાની ભાવનાથી ભારતીય સેનામાં જોડાયા હતા. જ્યાં ભરતી થયાને ત્રીજા જ વર્ષે કારગીલ યુદ્ધ થયું. જેમાં જમ્મું કાશ્મીરમાં કારગીલ સબ સેક્ટર મુશ્કોહ ખીણમાં શહીદ દિનેશ વાઘેલા ફરજ બજાવતા હતા, ત્યારે દુશ્મનો પર ગોળીઓ વરસાવતા શહીદ થયા હતા. દુશ્મનો પર શહીદ દિનેશ વાઘેલાએ સતત બે કલાક સુધી ગોળીઓ વરસાવી હતી. બાદમાં દુશ્મનની ગોળીઓ સામી છાતીએ ઝીલી શહીદી વહોરી હતી. જે બાદ પૂરા માન સન્માન સાથે શહીદ દિનેશ વાઘેલાને પોતાના વતન નિરમાલી ખાતે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
શહીદ દિનેશ વાઘેલાની યાદમાં ગામમાં સરકાર દ્વારા પ્રાથમિક શાળાને શહીદનું નામ આપવામાં આવ્યું છે, તેમજ ગામમાં મુખ્ય ચોક પર શહીદની યાદ અપાવવા તેમના માનમાં ખાંભી બનાવવામાં આવી છે. શહીદ દિનેશ વાઘેલાના પરિવારને નિયમ મુજબ સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી હતી. તેમજ પરિવારને કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ પંપની પણ ફાળવણી કરવામાં આવી હતી. જો કે કંપની દ્વારા તે પેટ્રોલ પંપ ટૂંક સમયમાં પરિવાર પાસેથી પરત લઇ લેવામાં આવ્યો હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા શહીદ દિનેશ વાઘેલાના પરિવારને પાંચ લાખની સહાય પણ આપવામાં આવી હતી. જો કે વીસ વર્ષે પણ હજી શહીદ દિનેશ વાઘેલાનો પરિવાર જમીનથી વંચિત રહ્યો છે. શહીદ દિનેશ વાઘેલાના પરિવારને મળવાપાત્ર જમીન હજુ સરકાર ફાળવી શકી નથી.
શહીદ દિનેશ વાઘેલાના પિતા દુઃખ સાથે જણાવી રહ્યા છે કે રિટાયર્ડ થયેલ સૈનિક ને પણ થોડા વર્ષો માં જમીન મળી જતી હોય છે. પણ માં ભોમ માટે શહીદને સરકાર વીસ વર્ષે પણ જમીન ફાળવી શકી નથી. જમીન માટે આ પરિવાર હાલ કચેરીઓના ધક્કા ખાઇ રહ્યો છે. શહીદ દિનેશ વાઘેલાના પરિવારમાં માતાપિતા તેમજ બે ભાઈઓ છે. બંન્ને ભાઈ સામાન્ય પગારે ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે સમગ્ર પરિવાર દેશ માટે શહીદી વહોરનાર સપૂત માટે ગર્વ અનુભવી રહ્યો છે. ત્યારે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ દિનેશ વાઘેલાને સો સો સલામ...