ખેડા: ભારતભરમાં આરએસએસના દરેક નાના મોટા એકમોએ આ રીતે હાડમારીના સમયમાં મુશ્કેલી અનુભવતા નાગરિકોને માનવતાવાદી અભિગમથી મદદ પહોચાડવાનું બીડું હાથ ધર્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના સંઘ દ્વારા વિવિધ 10 તાલુકાઓના ગામડાઓમાં છેલ્લા ઘણા દિવસોથી એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં જેમની પાસે રેશનકાર્ડ નથી, અન્ય મદદ પહોંચી શકે તેમ નથી અને રોજ કમાઇને રોજ ખાતા હોય તેવી પરિસ્થિતિમાં જીવનાર પરિવારોની રૂબરૂ તપાસ કરીને એક યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં જિલ્લાના 4000 જરૂરીયાત મંદોને ઘર ચલાવવા માટે અનાજ કરીયાણાની સહાય પહોંચાડવા માટે કીટ તૈયાર કરવામાં આવી છે.
જે કીટમાં ઘઉં-ચોખા, દાળ, તેલ, ગોળ, મીઠું, મરચું, હળદર જેવી કુલ મળીને સાડા તેર કિલોની સામગ્રી આપવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલતા આ સેવા યજ્ઞમાં જિલ્લાના અનેક શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ અને દાનવીર ઉદ્યોગપતિઓએ મોટી રકમની અને વિકલ્પે માતબર સામગ્રીની સેવા સહાય આ કાર્ય માટે પૂરી પાડી છે.
છેલ્લા દશેક દિવસથી સંઘના સમર્પિત 50થી વધુ સેવકો દ્વારા આ કીટ બનાવવાની કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી વિવિધ તાલુકાઓમાં તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.