ઠાસરા તાલુકાના ડાકોર પાસે આવેલા સીમલજ ગામની સીમમાંથી છેલ્લા કેટલાક સમયથી કોઈપણ પ્રકારની મંજૂરી વિના રોજ હજારો ટન માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. જે માટીનું JCB વડે ખોદકામ કરી ટ્રકો અને ટ્રેકટરો મારફતે પોતાની સાઈટ પર ઠાલવવામાં આવી રહી છે. જોકે આ બાબતથી જવાબદાર તંત્ર અજાણ છે અથવા તો આંખ આડા કાન કરી રહ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. બેદરકાર તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા ગ્રામજનો ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.
મહત્વનું છે કે આ અગાઉ પણ ઠાસરા તાલુકાના કેટલાક ગામોમાં બેફામ માટી ખનન કરતા ખનન માફિયાઓ વિરુદ્ધ ગ્રામજનો દ્વારા સ્થળ પર પહોંચી ઉગ્ર વિરોધ કરાયો હતો. ત્યારે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.