ખેડા: થોડા દિવસો પહેલા ગાંધીનગરના રકનપુર ખાતે યુવાનની હત્યા કરી કારમાં તેનો મૃતદેહ લાવી સળગાવી દેવાનો બનાવ સામે આવ્યો હતો. મૃતદેહને સળગાવી આરોપી ભાગી ગયા હતા. પોલીસે 20 દિવસમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. હાલ પોલીસે 2 મહિલા સહિત ચાર સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
"આ ગુનામાં હત્યા કરનાર,પુરાવાનો નાશ કરનાર એમ કુલ ચાર આરોપીઓ છે. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે. એ સિવાયના ત્રણ આરોપીઓની જિલ્લા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલા છે."-- રાજેશ ગઢીયા, (જિલ્લા પોલીસ અધિક્ષક-ખેડા,નડિયાદ)
અલગ અલગ ટીમો બનાવી તપાસ: અર્ધ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહના ચહેરા સહિત મોટાભાગના અંગો બળી જવાના કારણે આ વ્યક્તિ કોણ છે, તેની ઓળખ કરવામાં પોલીસને ભારે મહેનત કરવી પડી હતી. જે તે સમયે કઠલાલ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આની પાછળ કોનો હાથ છે. તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઈપણ જાતની માહિતી કે જાણકારી ન હોવાથી આ હત્યા કેસને શોધી કાઢવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસે એફએસએલ સહિતની મદદ લીધી હતી. અલગ અલગ ટીમો બનાવી જિલ્લા એલસીબીની ટીમ તપાસના કામે લાગી ગઈ હતી. જોકે, પોલીસે 20 દિવસના સમયમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
શંકાસ્પદ હકીકતો: પોલીસ દ્વારા મામલામાં ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન,મહારાષ્ટ્ર રાજ્યની પોલિસના વેબ પોર્ટલ પર મીસીંગ સંબંધી 1350 ઉપરાંત એન્ટ્રીઓ ચેક કરી હતી. જે તમામ એન્ટ્રીઓના ડેટા ચેક કરવા દરમિયાન અમદાવાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતેની ગુમ જણવા જોગ મુજબ ગુમ થનાર વ્યક્તિનું વર્ણન આ મળી આવેલ મૃતદેહ સાથે મળતું આવતું હતું. જાણવા જોગની નકલ મેળવી ટેકનિકલ ટીમ દ્વારા સીડીઆર મેળવતા શંકાસ્પદ હકીકતો જણાઈ આવી હતી.
મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી: મૃતક યુવાન મૃદલ ઉર્ફે ચીકુ પોતે મધ્યપ્રદેશના ઇન્દોરનો રહેવાસી હતો.જે મૂળ ઇન્દોર મધ્ય પ્રદેશ રહેવાસી આરોપી મહિલા શિવાની યાદવ સાથે સેન્ટોસા ગ્રીન લેન્ડ રકનપુર ગાંધીનગર ખાતે ભાડે રાખેલા બંગલામાં રહેતા હતા. તેમજ શિવાની સાથે જ ઓફિસ બોય તરીકે કામ કરતો હતો.જે દરમિયાન આ હત્યાનો અન્ય આરોપી શિવાનીનો મિત્ર વિનય ચોક્સે જે પણ ઇન્દોરના જ રહેવાસી હતો. તે મધ્યપ્રદેશના ઈન્દોરની કિશોરીને ભગાડીને લઈ આવી શિવાની અને મૃતક યુવાન મૃદુલ એમ બધા સાથે રહેતા હતા.જે દરમિયાન મૃતક મૃદુલે ઇન્દોરથી ભાગી આવેલી કિશોરી સાથે વારંવાર બિભત્સ માંગણી કરતા વિનય ચોક્સે અને શિવાનીના પ્રેમી અજય રામગઢીયાએ તેની હત્યા કરી નાંખી હતી.જે બાદ પેટ્રોલ તેમજ મૃતદેહ કારમાં લઈ જઈ અમદાવાદ ઇન્દોર હાઇવે પર ખલાલ પાસે મૃતદેહ સળગાવી ભાગી ગયા હતા.