- દાદા પછી પૌત્ર પણ કરી રહ્યા છે દાંડીયાત્રા
- 1930માં દાદા શંકરલાલ દુબેએ ગાંધીજી સાથે કરી હતી દાંડીયાત્રા
- હાલ તેમના પૌત્ર ડો.અનંત દુબે કરી રહ્યા છે યાત્રા
ખેડા: દાંડીયાત્રામાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલ સાથે ખભેખભો મિલાવી મધ્યપ્રદેશના નરસિંહપુરના ડૉ. અનંત દુબે ચાલી રહ્યા છે. જેમના દાદાજી શંકરલાલ દુબેએ આ જ રીતે 1930માં ગાંધીજી સાથે દાંડીયાત્રા કરી હતી.
ગાંધીવાદી પરિવારે આપી દાંડીયાત્રા કરવાની પ્રેરણા
પરિવાર પહેલેથી જ ગાંધીવાદી હોઈ અને દાદાજીએ દાંડીયાત્રા કરી હોવાથી પૌત્ર ડો.અનંત દુબે પણ આ દાંડીયાત્રામાં જોડાવા પ્રેરિત થયા હતા તેમ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ખેડા જિલ્લામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી અંતર્ગત દાંડીયાત્રાનું રાત્રીરોકાણ
પૌત્રએ કર્યુ ગાંધીબાપુ અને પોતાના દાદાનું સ્મરણ
દાંડીયાત્રા ખેડા જીલ્લામાં પહોંચી છે. જ્યાં નડીઆદ તાલુકાના ડભાણ ગામ તેમજ નડીઆદ ખાતે 1930માં જે સ્થળે ગાંધીજીની પદયાત્રાએ જ્યાં વિરામ કર્યો હતો તે જ સ્થળે આ પદયાત્રા વિરામ માટે રોકાઈ છે. જ્યાં ડો.અનંત દુબેજી ગાંધીબાપુ અને પોતાના દાદાજીનું સ્મરણ કરી રહ્યા છે.
દાદા શંકરલાલ દુબે સૌથી વધુ વખત ગયા હતા જેલ
દુબે પરિવાર પહેલેથી જ ગાંધીવાદી વિચારસરણી અનુસરતો આવ્યો છે. 1930માં જ્યારે ગાંધીજી દાંડીયાત્રા કરી રહ્યા હતા ત્યારે દાદાજી સ્વ.શંકરલાલ દુબે ગાંધીજી સાથે પદયાત્રામાં જોડાયા હતા. તેઓ સંપૂર્ણ રીતે ગાંધી બાપુને સમર્પિત હતા. તેમણે પોતાના જીવન દરમ્યાન 8થી 9 વર્ષ જેલયાત્રા કરી હતી. તે સમયે સૌથી વધુ વખત જેલમાં જવાનો રેકોર્ડ તેમના નામે હતો.
ડૉ. અનંત દુબેએ જણાવ્યા તેમના વિચારો
પદયાત્રા કરી રહેલા ડૉ. અનંત દુબે જણાવી રહ્યા છે કે, ગાંધીબાપુના બતાવેલા રસ્તે ચાલીને આત્મનિર્ભર બની નવા ભારતનું નિર્માણ કરી શકીએ છીએ. દાદાજીએ ગાંધીબાપુ સાથે દેશને અન્યાયી કરમાંથી મુક્ત કરવા દાંડીયાત્રા કરી હતી.અમે નવા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે દાંડીયાત્રા કરીએ છીએ. અમને દાંડીયાત્રામાં સહભાગી થવાનો અવસર મળ્યો તે અમારા માટે ગૌરવની વાત છે.
આ પણ વાંચો: આજે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને વડાપ્રધાન આપશે લીલીઝંડી, રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ થશે