- એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા ચાર આરોપીઓ ઝડપાયા
- પોલીસે ચાલવાની રીત પરથી આરોપીને ઝડપ્યો
- અન્ય એટીએમ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ
ખેડાઃ નડીયાદ તાલુકાના ચકલાસી ગામમાં પંડ્યાપોળ પાસે એસબીઆઈ બેન્કનું એટીએમ આવેલું છે. જે એટીએમમાં રહેલા રૂપિયાની ચોરી કરવાના ઈરાદે ગત્ત (સોમવાર) રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાં સીસીટીવી કેમેરા તોડી નાખી લોખંડના કોસથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એટીએમ નહીં તૂટતા તમામ શખ્સો ભાગી ગયા હતા. જે મામલે ચકલાસી પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે ચાલવાની રીત પરથી આરોપીને ઝડપ્યો
સીસીટીવીમાં એક ઈસમ એટીએમ તરફ ચાલતો આવતો દેખાતા તેની ચાલવાની રીતનો અભ્યાસ કરી સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા આવી રીતે ચાલતા ઈસમોની તપાસ કરાઈ હતી. જેમાં અગાઉ ચકલાસી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં ઝડપાયેલો મહારાજ ઉર્ફે વિમલકુમાર વાઘેલાની ચાલવાની રીત સીસીટીવીમાં દેખાતા ઈસમ જેવી જણાઈ આવી હતી. જેને આધારે પોલીસ દ્વારા વિમલકુમાર ઉર્ફે મહારાજ હસમુખભાઈ વાઘેલાને પોલીસ સ્ટેશને લાવી યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરી હતી. તેમજ તેની સાથે અન્ય ત્રણ ઈસમો સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા સુનિલભાઈ ભૂપતભાઈ ઝાલા, હિતેશભાઈ જશપાલભાઈ વાઘેલા તથા પરેશભાઈ ભુપતભાઈ ઝાલાને ઝડપી પાડ્યા હતા.
કેનાલ પર ભેગા થઈ એટીએમ તોડવાનું નક્કી કર્યું
પોલીસ દ્વારા પૂછપરછમાં આરોપીઓએ ભેગા મળી ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં સાંજના સમયે ચકલાસી નજીક આવેલી કેનાલ પર ભેગા થઈ એટીએમ તોડવાનું નક્કી કર્યુ હતું. જે મુજબ રાતના બે કલાકે એટીએમ તોડવા આવ્યા હતા. હિતેશ વાઘેલા અને પરેશ ઝાલા બહાર બાઈક લઈને વોચ રાખતા હતા. વિમલ વાઘેલા અને સુનિલ ઝાલા એટીએમ સેન્ટરમાં લોખંડની કોસ લઈને ગયા હતા. તેમણે એટીએમ મશીન તોડવાની કોશિશ કરી હતી. મશીન નહીં તૂટતા તેઓ નાસી છૂટ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા લોખંડની કોસ તેમજ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં વિમલ વાઘેલા અને સુનિલ ઝાલા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તે અગાઉ ચકલાસી પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસ દ્વારા આરોપીઓ અન્ય એટીએમ ચોરી કરવાના મામલામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.